RSSની સૈનિક સ્કૂલમાં મોંબ-લિંચિંગની રીત શીખવાડવામાં આવશે: અખિલેશ

મુખ્ય સમાચાર રાજકીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) આગામી વર્ષે પોતાની પ્રથમ સૈનિક સ્કૂલ શરુ કરશે, જેમાં સશસ્ત્ર દળોમાં શામેલ થવા ઈચ્છતા બાળકોને ભણાવાશે. બીજી તરફ, આરએસએસની સૈનિક સ્કૂલ ખોલવાના સમાચાર બાદ રાજકારણ ગરમાવા માંડ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આરએસએસના સૈનિક સ્કૂલ ખોલવાના નિર્ણય પર સવાલ ઉઠાવીને આકરો હુમલો કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, ‘આરએેસએસ જો સૈનિક સ્કૂલ ખોલશે તો ત્યાં મોંબ લિંચિંગ અને સામાજિક સદ્ભાવ બગાડવાની રીત શીખડાવશે. એમાં એમનો ગુપ્ત એજન્ડા છુપાયેલો છે.’

અખિલેશ યાદવે સંઘના નિર્ણય પર સવાલ પેદા કરતાં કહ્યું કે, આ શંકા પેદા કરનાર બાબત છે. એના પર 40 કરોડ રુપિયાનો ખર્ચ થશે. આટલી સ્કૂલ હોવા છતાં રાષ્ટ્રીય પ્રવાહથી અલગ સૈનિક સ્કૂલ ખોલવાનું ઔચિત્ય શું છે ? તેમણે કહ્યું કે, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે સૈનિક સ્કૂલ, જ્યારે હિમાચલ પ્રદેશમાં એક સૈનિક સ્કૂલ કાર્યરત છે. આ સિવાય ઉત્તરપ્રદેશમાં 4 સૈનિક સ્કૂલ કાર્યરત છે.

અખિલેશ યાદવે સંઘ પર નિશાન તાકીને કહ્યું કે, તમામ લોકો જાણે છે કે એમની(સંઘની) વિચારધારા ભાગલાવાદી છે. સંઘે આઝાદની લડતમાં નકારાત્મક ભૂમિકા અદા કરી હતી. આરએેસએસ જો સૈનિક સ્કૂલ ખોલશે તો ત્યાં મોંબ લિંચિંગ અને સામાજિક સદ્ભાવ બગાડવાની રીત શીખડાવશે. એમાં એમનો ગુપ્ત એજન્ડા છુપાયેલો છે.
અખિલેશ યાદવે કહ્યું કે, દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લગાવવા પાછળ આ કારણ હતું.