જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થતા અમરનાથ યાત્રા સ્થગિત, કાશ્મીરમાં ભારે વરસાદની શક્યતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમરનાથ યાત્રાને ચાર ઓગષ્ટ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. આગામી થોડા દિવસો માટે જમ્મુ-કાશ્મીરમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આશંકા દર્શાવી છે. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થઇ શકે છે. જેના કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 દિવસોમાં 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી ચુક્યા છે.

શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (એસએએસબી) એ આજે જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા 4 ઓગષ્ટ સુધી સ્થગિત રહેશે કારણ કે કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન પરિસ્થિતિઓ, ખાસ કરીને જમ્મુ ક્ષેત્રમાં પથ્થરો અને ભૂસ્ખલનને કારણે યાત્રા સ્થગિત રહેશે.

તેમણે કહ્યું હતું કે, ભારત હવામાન વિભાગે આગાહી કરી છે કે આખા જમ્મુ-કાશ્મીરમાં આગામી કેટલાક દિવસોથી ભારે વરસાદ પડશે, જેના કારણે જમ્મુ અને શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાસ કરીને રામબન અને બનિહાલ વચ્ચેના પત્થરો ખસવાની અને શીલાઓ પડવાની શક્યતા છે.