ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું છે કે, હું ભવિષ્યમાં ચોક્કસ એક દિવસ ટીમ ઈન્ડિયાનો કોચ બનીશ. જોકે હાલમાં મારી પાસે અન્ય ઘણા બધા કામ છે, જેના કારણે હેડ કોચ બનવામાં મને રસ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે નવા કોચની તલાશ આંરભી છે, જેમાં હાલની સ્થિતિમાં તો ચીફ કોચ રવિ શાસ્ત્રી જ પોતાનું સ્થાન જારી રાખવા માટે હોટફેવરિટ છે.
ગાંગુલીએ કોચ બનવા અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, મને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવામાં રસ છે, પણ હાલના તબક્કે નહી. હજુ થોડો સમય જવા દો તે પછી હું કોચ બનવા માટે દાવેદારી નોંધાવીશ. ૪૭ વર્ષીય ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનો પ્રમુખ છે.
આ ઉપરાંત તે આઇપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમનો એડવાઈઝર પણ છે અને કોમેન્ટેટર તરીકેની જવાબદારી સંભાળે છે. ટીમ ઈન્ડિયાના ભાવિ કોચ અંગે ગાંગુલીએ કહ્યું કે, જે અરજીઓ આવી છે, તેને જોતા લાગે છે કે, આ વખતે હાઈપ્રોફાઈલ નામો હેડ કોચ બનવાની સ્પર્ધામાં નથી. મેં સાંભળ્યુ હતુ કે, જયવર્દને અરજી કરવાનો છે, પણ તેણે અરજી કરી નથી. ગાંગુલીએ શાસ્ત્રીના કાર્યકાળ અંગે કોમેન્ટ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
તેમણે કહ્યું કે, હું આ અંગે મારું મંતવ્ય જાહેર નહી કરું. કોચ પસંદ કરનારી સમિતિમાં હું સામેલ નથી, જેના કારણે આ અંગે મારી કોઈ કોમેન્ટ યોગ્ય નહી લેખાય. વિન્ડિઝ સામેની ટી-૨૦ સિરીઝ ભારે રોમાંચક બનશે તેમ જણાવતા ગાંગુલીએ કહ્યું કે, વિન્ડિઝની ટીમ ઘણી મજબુત છે. તેઓનુ ફેવરિટ ફોર્મટ ટી-૨૦ છે, જેમાં તેઓ ચાલુ વર્ષે ઈંગ્લેન્ડને પણ હરાવી ચૂક્યા છે. મને લાગે છે કે, ફ્લોરિડામાં રમાનારી ભારત અને વિન્ડિઝના બે મેચો આસાન નહી રહે.