શિવ પૂજા કરવાથી અને શિવજીનું ધ્યાન ધરવાથી ભક્તોના મોટા મોટા પાપનો નાશ થાય છે. શિવની સાધના કરનાર ભક્ત પૃથ્વીલોક પર તમામ સુખ પ્રાપ્ત કરી અને અંતમાં કૈલાશવાસી શિવના ચરણોમાં સ્થાન પામે છે. ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના અનેક વિધાન શાસ્ત્રોમાં દર્શાવાયા છે. શિવભક્તિ કોઈપણ રીતે કરવામાં આવે તેનાથી ભોળાનાથ પ્રસન્ન અચૂક થાય છે અને ભક્તને અક્ષય, અભય વરદાન આપે છે. ભગવાન પોતાના ભક્તના જીવનમાં ધન, ધાન્યનો વરસાદ કરે છે.
શિવજીની પૂજા અને ભક્તિ માટે કોઈ નિયમો બનાવાયા નથી. પરંતુ શિવજીની આરાધના કરવામાં સ્વચ્છતા અને શ્રદ્ધા મહત્વના હોય છે. લિંગ પુરાણમાં સુતજીએ મુનિશ્વરોને સંબોધિત કરતા જણાવ્યું છે કે માણસ મનમાં જે ઈચ્છા રાખી અને શિવપૂજન કરે તેને તેવું ફળ મળે છે. શિવપૂજાનું ફળ તેની ભક્તિ અનુસાર મળે છે. ભક્ત જો એંઠા મોં સાથે શિવપૂજા કરે છે તો તે પિશાચ યોની પ્રાપ્ત કરે છે.
જે વ્યક્તિ ક્રોધિત ભાવ સાથે શિવપૂજા કરે છે તેને બીજા જન્મમાં રાક્ષસ યોનીમાં જન્મ મળે છે. અખાદ્ય પદાર્થ ખાઈને જે વ્યક્તિ શિવ પૂજા કરે છે તે યક્ષ બને છે. ગાયત્રીમંત્રથી શિવપૂજા કરનાર વ્યક્તિ પ્રજાપતિને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા સાથે શિવપૂજા કરનાર વ્યક્તિ રુદ્ર સાથે ક્રીડા કરે છે.
આ રીતે કરો શિવ પૂજા
શિવલિંગની સ્થાપના કરી પવિત્ર જળથી સ્નાન કરાવો. ધર્મ, જ્ઞાનમય આસરની કલ્પના કરી તેની સ્થાપના તેના પર કરો. આચમન કરી દૂધ, દહીં, ઘી, પવિત્ર જળથી તેને સ્નાન કરાવો. કેસર, કસ્તુરીનો લેપ કરી સુગંધિત ફુલ અને અખંડિત બિલીપત્ર શિવજીને અર્પણ કરો. શિવલિંગ પર ચંપો, કરેણ, મોગરો વગેરે ફૂલ અર્પણ કરી શકાય છે. શિવજીને દહીં, ભાતનું ભોજન કરાવો. શિવલિંગની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરો અને આરતી કરી પ્રાર્થના કરો.