સંજય ગોવિલકર એટલે કે મુંબઈમાં થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર ઓફિસર. 26-11ના મુંબઈ પર થયેલા હુમલામાં કસાબને જીવતો પકડનાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારી સંજય ગોવિલકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાઉદના સાગરીત સોહેલ ભામલાને મુંબઈ એરપોર્ટ પરથી જવા દેવાનાં મામલે ગોવિલકરને સસપેન્ડ કરવામાં આવ્યાં છે. દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ ભામલાને એરપોર્ટ પર તાબામાં લેવામાં આવ્યો હતો એવી માહિતી વરિષ્ઠ પોલીસ સૂત્રોએ આપી હતી. ગોવિલકર પોલીસની આર્થિક શાખામાં ફરજ બજાવતા હતા.
ગોવિલકર સહિત સહાયક પોલીસ નિરીક્ષક જિતેન્દ્ર શિંગોટેને પણ સસપેન્ડ કરવામાં આવ્યો છે. 2004માં ભામલાને નકલી નોટ પ્રકરણે પાંચ વર્ષની સજા થઈ હતી. આ બંને પોલીસ અધિકારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં કાર્યરત હતા.
મુંબઈ પોલીસની વોન્ટેડ યાદીમાં ભામલા વર્ષોથી હતો. જોકે ગયા અઠવાડિયે નજીવી પૂછપરછ કરીને ભામલાને એરપોર્ટ પરથી છોડી દેવામાં આવ્યો હતો. 2004માં ભામલાને મુંબઈમાં નકલી નોટ પ્રકરણે પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. વચગાળાના જામીન મળ્યા બાદ એ લાપતા થવાથી એને ફરાર ઘોષિત કરવામાં આવ્યો હતો.

