138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી: મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાત મુખ્ય સમાચાર

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે NCAની કોઈ મંજૂરીની જરૂર નથી. પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયને પાઠવી પતેતીની અગ્રીમ શુભકામનાએ..

આજે સાંજે કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના સમસ્ત પારસી સમુદાયને પતેતીના મુબારક પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી છે.એમને જણાવ્યું કે આ અતિ અલ્પ લઘુમતી સમુદાય દૂધમાં સાકરની જેમ ગુજરાતના સમાજ જીવનમાં ઓતપ્રોત થઇ ગયો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેવડીયામાં વિશ્વની સહુથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે, કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.પ્રવાસીઓ આવે,બે ત્રણ દિવસ રોકાય,વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે, અને સ્થાનિક લોકોને રોજગારી મળે ,આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે,એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.

તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રીશ્રી કેવડિયા પધારવાના છે.આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્વના બનવાના છે.અહીં રાજદૂતોની,IAS/IPS અધિકારીઓની બેઠક મળવાની છે.આ તમામ ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણ ની સમીક્ષા કરાશે.

મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર ની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ ની જરૂર નથી.ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર ની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે.

તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે.સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે.કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.