કાશ્મીરમાં લોકડાઉનનો 12મો દિવસ છે અને હજુ પણ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓને ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે. બે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ હતી. મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા જાવેદે એક વોઈલ મેસેજ કરીને જણાવ્યું હતું કે તેની પણ અટકાયત કરવામાં આવી છે. તેણે એવો આક્ષેપ કર્યો કે તેને ધમકીઓ મળી રહી છે કે જો તે ફરી મીડિયા સાથે વાતચીત કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. ઈલ્તિજાએ જણાવ્યું કે, તેણે ગૃહ મંત્રી અમિત શાહેને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે.
ઈલ્તિજા જાવેદે ગૃહમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે, ‘આજે જ્યારે અન્ય રાજ્યો ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, કાશ્મીરીઓને પશુઓની જેમ કેદ કરી દેવાયા છે અને તેમને મૂળભૂત માનવાધિકારોથી વંચિત રખાયા છે.’
જાવેદે વોઈસ મેસેજનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ‘મારી પણ અટકાયત કરવામાં આવી છે અને જણાવાયું છે કે મે મીડિયા સાથે વાત કરી હતી. કાશ્મીરીઓને આ ભયાવહ કર્ફ્યૂ પછી પણ આટલું સહન કરવું પડે છે. મને ધમકાવવામાં આવી અને જણાવાયું કે ફરી મીડિયા સાથે વાત કરીશ તો તેનું પરિણામ ભોગવવું પડશે. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે અને મને સતત નજરકેદ રાખવામાં આવી રહી છે. જે કાશ્મીરોએ અવાજ ઉઠાવી છે, તેમના જીવ પણ જોખમમાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.’
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ મહેમબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પહેલા નજરકેદ કર્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરાઈ હતી. તેમને શ્રીનગરના એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
ઈલ્તિજાએ અગાઉ વોટ્સએપ પરના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બે દિવસથી તેની અટકાયત કરાઈ છે. અહીં એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે કોઈને ઘરની બહાર નિકળવા મંજૂરી અપાતી નથી. અહીં સામૂહિક હાઉસએરેસ્ટ જાહેર કરાયું છે. હું ઈચ્છું છું કે મીડિયાને ખ્યાલ આવે કે અહીં શું થઈ રહ્યું છે? ફારુક અબ્દુલ્લા અને અન્ય નેતાઓને નજરકેદ નહીં કરાયા હોવાનું કહીને ગૃહ મંત્રી જૂઠું બોલી રહ્યા છે.’