ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે તપાસ પૂરી કરવા સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો

મુખ્ય સમાચાર રાજકીય

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. હાલ આ કેસની તપાસ સીબીઆઇ પાસે છે અને તેને પુરી કરી લેવા માટે વધુ બે સપ્તાહનો સમય આપવામા આવ્યો છે.

સોમવારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં વધુ સમય માગ્યો હતો જેને માન્ય રાખવામા આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા જ રેપ પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી જેને પગલે પીડિતા ગંભીર રીતે ઘવાઇ હતી જ્યારે તેના બે પરિવારજનોના મોત નિપજ્યા હતા. આ મામલે પણ સેંગર અને અન્યો પર હત્યાનો તેમજ હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે.

આ કેસોમાં સીબીઆઇને અગાઉ પણ બે સપ્તાહનો સમય આપ્યો હતો જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે, કોર્ટને લાગી રહ્યું છે કે સીબીઆઇ આ મામલે ઝડપી અને યોગ્ય રીતે તપાસ કરી રહી છે જેને ધ્યાનમાં રાખીને આ વધુનો સમય આપવામા આવ્યો છે.

આ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક ગુપ્તા અને અરૂંધતી બોઝે રેપ પીડિતાના વકીલને પાંચ લાખની સહાય આપવા સરકારને આદેશ આપ્યો છે. પીડિતાના વકીલ પણ આ અકસ્માતમાં ઘવાયા હતા અને હાલ સારવાર હેઠળ છે પણ તેની સ્થિતિ પીડિતાની જેમ જ ગંભીર હોવાનું હોસ્પિટલે જણાવ્યું છે.

બીજી તરફ પીડિતાના પરિવારજનો દ્વારા મીડિયા અને સ્થાનિકોમાં જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમને કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે કઇ કહેવું તો તમે અમારી સમક્ષ કઇ પણ કહેવા માટે સ્વતંત્ર છો, જાહેરમાં નિવેદનોથી તપાસ અને ટ્રાયલ બન્નેને અસર થઇ શકે છે.