વિદ્યાર્થી નેતા હાલ કાશ્મીરમાં સક્રિય શેહલા રાશીદે એક ટ્વીટ કરીને વિવાદ જગાવ્યો છે. શેહલાએ જે ટ્વીટ કર્યું છે તે કાશ્મીર અંગે છે અને તેમાં જે દાવા કરાયા છે તે તદ્દન જુઠા હોવાનું સામે આવ્યું છે જેથી શેહલા રાશીદની મુશ્કેલી વધી શકે છે કેમ કે શેહલાની આ ટ્વિટને લઇને એક વકીલે સુપ્રીમ કોર્ટમાં શેહલાની ધરપકડની માગ કરી નાખી છે.
સૈન્યએ પણ શેહલાના આરોપોને નકાર્યા હતા. વકીલે દાવો કર્યો છે કે શેહલાએ ભારતીય સૈન્ય અંગે લોકોને જુઠી માહિતી આપી. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબુદ થયા બાદ શેહલા રાશીદ ટ્વિટર પર વધુ સક્રીય છે અને અનેક મુદ્દાઓને લઇને ટ્વીટ કરતી આવી છે. રવિવારે પણ તેણે અનેક ટ્વીટ કર્યા હતા જેમાં દાવો કર્યો હતો કે સૈન્ય અને પોલીસ આમ નાગરીકોના ઘરોમાં ઘુસી રહી છે અને તેને પરેશાન કરી રહી છે.
આ ઉપરાંત શોપિયામાં સ્થાનિકોને બળજબરીથી અટકાયમતાં લેવા અને પરેશાન કરવાનો પણ સૈન્ય પર આરોપ લગાવ્યો હતો. જોકે શેહલા પાસે આ દાવાઓનો કોઇ જ આધાર પુરાવો નહોતો. સૈન્યએ પણ આવી કોઇ જ કાર્યવાહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી દીધી છે. સાથે આ મામલે હવે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને શેહલાની ધરપકડની માગણી કરી છે.
બીજી તરફ કાશ્મીરમાં આઇએએસની નોકરી છોડીને રાજનેતામાં બનેલા શાહ ફૈઝલની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી અને કાશ્મીર પરત મોકલી દેવાયો હતો, જોકે આ અંગે તેણે બાદમાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે હું હાવર્ડ જઇ રહ્યો હતો એવામાં જ મારી અટકાયત કરી લેવામાં આવી જે તદ્દન ખોટુ છે.

