ઇડીએ રૂ. 354 કરોડના બેંક છેતરપિંડી કેસમાં રતુલ પુરીની ધરપકડ કરી

મુખ્ય સમાચાર રાજકીય

354 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના નવા કેસમાં ઇડીએ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ અને ઉદ્યોગપતિ રતુલ પુરીની ધરપકડ કરી છે.ગયા સપ્તાહમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધારે નવો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા પછી રિતુલ પુરી ઇડી સમક્ષ હાજર થયા હતાં. ત્યારબાદ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રતુલ પુરીની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણવ્યા અનુસાર રતુલ પુરી તપાસમાં સહકાર આપતા ન હોવાથી ઇડી તેમની ક્સ્ટોડિયલ પૂછપરછ કરવા માગતી હતી.

ઉલ્લેખનીય છે કે રતુલ પુરી હાઇ પ્રોફાઇલ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં પણ સ્કેનર હેઠળ છે. આ કેસમાં ઇડીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે રતુલ પુરી પુરાવા સાથે ચેડાં અને સાક્ષીઓને ધમકાવે તેવી શક્યતા છે. જેના પગલે કોર્ટ દ્વારા તેમની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

જો કે દિલ્હી હાઇકોર્ટે 14 ઓગસ્ટે રતુલ પુરીને મંગળવાર સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે આજે ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં રતુલ પુરીની વચગાળાના જામીન માટેની અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે અસરકારક તપાસ માટે તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. આજે સુનાવણી શરૂ થઇ ત્યારે ઇડીએ રતુલ પુરીની આગોતરા જામીન માટેની અરજીનો વિરોધ કર્યો હતો. આજની સુનાવણીમાં પુરી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યાં હતાં.

તાજેતરમાં દાખલ કરવામાં આવેલો પીએમએલએ કેસ સીબીઆઇની 17 આગસ્ટની એફઆઇઆરને આધારે દાખલ કરવામાં આવ્યો છે. આ એફઆઇઆરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલા 354 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં રતુલ પુરી, તેમના પિતા દીપક પુરી અને માતા નીતા(કમલનાથના બહેન) સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સીબીઆઇએેે રવિવાર અનેક સૃથળોએ દરોડા પાડયા હતાં.

ઉલ્લેખનીય છે કે દિપક પુરી મોઝેર બેયર ઇન્ડિયા લિમિટેડના પ્રમોટર છે અને રતુલ પુરી એક્ઝિકયૂટીવ ડાયરેક્ટર હતા. જો કે રતુલ પુરીએ 2012માં એક્ઝિક્યૂટીવ પદેથી રાજીનામું આપી દીધું હતું.મોઝેર બેયરે 2009થી વિવિધ બેંકો પાસેથી લોન લીધી હતી. જ્યારે કંપની દ્વારા આ લોનના હપ્તા ભરવામાં ન આવતા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 20 એપ્રિલ, 2019ના રોજ જાહેરાત કરી હતી કે મોઝેર બેયરે બેંક સાથે છેતરપિંડી કરી છે.

પોતાના ભાણેજ રતુલ પુરીની ઇડી દ્વારા કરવામાં આવેલી ધરપકડને મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે બદઇરાદાથી કરાયેલી કાર્યવાહી ગણાવી છે. બીજી તરફ ઇડીની કાર્યવાહીનો બચાવ કરતા ભાજપે જણાવ્યું છે કે રતુલ પુરી સામે તપાસના અંતે કાયદા મુજબ જ કાર્યવાહી કરવામાં આવી છે. કમલનાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ અને અન્યને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કેસમા કોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પુરીની ધરપકડ અંગે કમલનાથે જણાવ્યું હતું કે પુરીના બિઝનેસ સાથે મારા કોઇ લેવાદેવા નથી પણ પ્રથમ નજરે એવુ લાગી રહ્યું છે કે પુરી સામે બદઇરાદાથી કાર્યવાહી કરવામાં આવી છે.