રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં 86 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય અધિકારીઓ-ટીમ આરોગ્ય આ રોગોના નિયંત્રણ માટે જાગૃતતા અને સક્રિયતા સાથે પ્રોએક્ટિવ ભૂમિકા અદા કરે એ ખૂબ જ અનિવાર્ય છે.
મલેરિયાના કેસમાં 49 ટકા જેટલો ઘટાડો નોંધાયોઃ નીતિન પટેલ
સમીક્ષા બેઠક યોજાઈ
આજે ગાંધીનગર ખાતે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના નિયંત્રણ માટે રાજયના આરોગ્ય અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, રાજયમાં ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો છે ત્યારે આ વિસ્તારોમાં મેલરિયા, ડેન્ગ્યૂ જેવાં રોગ ન થાય અને જયાં થયો હોય ત્યાં નિયંત્રણ આવે અને નાગરિકો તેનો ભોગ ન બને તે જોવાની જવાબદારી આપણા સૌની છે ત્યારે આ રોગોની જનજાગૃતિ માટે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ તેમજ સોશિયલ મીડિયા થકી પણ જાગૃતિ કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
નીતિન પટેલે ઉમેર્યું કે, રાજયમાં મેલરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ જૂલાઈ-2019 સુધીમાં 49.4 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે ચીકનગુનિયાના કેસોમાં 12 ટકાનો ઘટાડો થયો છે. મહાનગર પાલિકાઓમાં ક્યાંક કયાંક ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યાં છે ત્યારે આ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી ઝડપથી હાથ ધરીને દવા છંટકાવ સહિતના વિવિધ પગલાં ભરવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત જે શહેરોમાં ભંગારના મોટા વેપારીઓ હોય તે જગ્યાએ પણ પાણીનો ભરાવો વધુ થતો હોય છે. ત્યારે તે જગ્યાઓ પર ખાસ ઝૂંબેશ હાથ ધરીને આવા સ્થળો પર દવા છાંટવાની કામગીરી વધુ વેગવાન બનાવવી જોઇએ. ઉપરાંત મેલેરિયાનો ઉપદ્રવ વધારતા મચ્છરોના નિયંત્રણ માટે જે ગપ્પી માછલીનો ઉપયોગ થઇ રહ્યો છે તેનો પણ વ્યાપ વધારીને પ્રચાર-પ્રસિદ્ધિ કરવા તથા મચ્છરદાનીનો પણ જરૂરિયાત મંદોને સત્વરે વિતરણ કરવા તંત્રને સૂચનાઓ આપી હતી.
જિલ્લા કક્ષાની કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન
તેમણે વાહકજન્ય રોગોની પરિસ્થિતિનું રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ કરીને જિલ્લા કક્ષાની કામગીરીને વધુ સઘન બનાવવા પણ સૂચનો કર્યા હતા. તાવના કેસને સમયસર સારવાર માટે સર્વેલન્સની કામગીરીને સઘન બનાવવા અનુરોધ કરીને મેલેરિયાના કેસનું ત્વરિત નિદાન અને ઝડપી સારવાર માટે 104-ફીવર હેલ્પલાઇનનો પણ ઉપયોગ કરવા માટે નાગરિકોને આહૃવાન કર્યુ હતું. વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે જે અધિકારી-કર્મચારીઓ શ્રેષ્ઠ કામગીરી કરશે તેને રાજ્ય સરકાર પ્રોત્સાહિત પણ કરશે અને સાથે સાથે જે જિલ્લાઓમાં નબળી કામગીરી હશે તેઓ સામે કડક હાથે પગલાં પણ લેવામાં આવશે.