ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈને સ્થગિત કરવાનો નિર્ણય ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને (આઇટીએફ) લીધો છે. આઈટીએફના નિર્ણયને કારણે ભારતે રાહત અનુભવી છે. પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધેલા તનાવના પગલે ભારતીય ટેનિસ ખેલાડીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી ડેવિસ કપ ટાઈ રમવા માટે ઈસ્લામાબાદ જવા માટે તૈયાર નહતા. ભારતની રજુઆતના પગલે આઇટીએફે જાહેર કર્યું છે કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈ નવેમ્બરમાં રમાશે. અગાઉના કાર્યક્રમ મુજબ ભારતે ઈસ્લામાબાદમાં યજમાનો સામે તારીખ ૧૪-૧૫ સપ્ટેમ્બરના રોજ ડેવિસ કપ ટાઈ રમવાની હતી. જોકે છેલ્લા કેટલાક સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધેલા તનાવને પગલે ડેવિસ કપ ટાઈ અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો. ભારતે આઇટીએફ સમક્ષ રજુઆત કરી હતી કે, બંને દેશો વચ્ચેના હાલના સંબંધ જોતા ડેવિસ કપ માટે ટીમને પાકિસ્તાન મોકલી શકાય તેમ નથી. આ અંગે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) અને આઇટીએફ વચ્ચેની મિટિંગ સતત બે દિવસ રદ કરવી પડી હતી. જે પછી ડેવિસ કપ કમિટિએ આ નિર્ણય લીધો છે. ભારતને નવેમ્બરમાં યોજનારી ડેવિસ કપ ટાઈનો કાર્યક્રમ તારીખ ૯ સપ્ટેમ્બરે મળશે.
