કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, દુનિયાના બાકી દેશો પણ મંદીનો સામનો કરી રહ્યાં છે. દુનિયાની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતીમાં છે. તેમણે કહ્યું, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે મંદી સામે આવી રહી છે.
નિર્મલા સિતારમણે કહ્યું કે, તેવું નથી કે મંદીની સમસ્યા માત્ર ભારત માટે છે પરંતુ દુનિયાના ઘણાં દેશો પણ આ મંદીનો સામનો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કેસ સુધારાઓ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દેશમાં સતત આર્થિક સુધારા થયાં છે. ભારતની અર્થવ્યવસ્થા બીજા દેશોની સરખામણીએ ઘણી સારી થઈ છે.
તેમણે કહ્યું કે, આર્થિક સુધારાની દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. ઈનકમ ટેક્સ રિટર્ન ભરવું પહેલાંથી જ સરળ થયું છે. GSTને પણ સરળ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ઘણાં દેશોની તુલનામાં આપણી વિકાસદર ઘણી સારી છે. સરકાર પર આરોપો લાગે છે કે, ટેક્સને લઈને લોકોને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારાઓ કરી રહ્યાં છીએ. ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમ હશે અને ટેક્સ માટે કોઈને પરેશાન કરવામાં નહી આવે. 01 ઓક્ટોબરથી કેન્દ્રીય સિસ્ટમમાંથી નોટિસ મોકલાશે. જેનાથી ટેક્સ ઉત્પીંડનની ઘટનાઓ પર રોક લાગશે. કેપિટલ ગેન્સ પર સરચાર્જ પરત લેવામાં આવશે. શેર બજારમાં કેપિટલ ગેન્સ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પર સરચાર્જ લેવામાં નહી આવે.

