અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને કોર્પોરેશન દ્વારા નદી કિનારે કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા 36 કુંડ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સાતેય બ્રિજ પર કુંડ બનાવવામાં આવી રહ્યા છે.
કુંડ બનાવવાની કામગીરી
હાલમાં કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કુંડમાં વિશાળકાય મૂર્તિઓનું વિસર્જન થશે. સાબરમતી નદીમાં મૂર્તિઓ પધરાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નદીમાં મૂર્તિ વિસર્જન કરનારા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમિયાન નદી પાસે ફાયર બ્રિગેડના જવાનોને પણ તૈનાત કરવામાં આવશે.
રાજકોટમાં વિસર્જનને લઈને કરાઇ તૈયારીઓ
રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.. ત્યારે હવે મનપા દ્વારા ગણેશ વિસર્જનને લઈને સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. મનપા દ્વારા શહેરમાં ગણેશ વિસર્જન માટે 5 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.
આજી ડેમ તરફ ખાણ-1 અને 2, મવડીમાં જખરાપીર દરગાહ પાસે, વાગુદળ પાટિયા પાસે અને હનુમાનધારા પાસે ગણેશના વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે આ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ક્રેન અને ફાયરબ્રિગેડના જવાન પણ તૈનાત કરાશે.
અમદાવાદ પોલીસનું જાહેરનામું
જન્માષ્ઠમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં ગણપતિજીની મૂર્તિ બનાવવાની પણ શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગણેશ વિસર્જન કાર્યક્રમને અનુલક્ષીને એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણપતિની મૂર્તિ 5 ફુટથી વધારાની ઊંચાઇ ન હોવી જોઇએ.

