પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે, તેમજ ૨૭ લોકો ઘાય થયા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ પણ લાગી હતી, તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.્રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરીમાં લગભગ ચાર વાગ્યા આસપાસ વિસ્ફોટ થયો હતો. ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનનિક પ્રશાસને ૨૧ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
વિસ્ફોટ બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ઘાયલો અને મૃત વ્યક્તિઓ પ્રત્યે દુખ વ્યક્ત કર્યુ છે. ઉપરાંત ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૨ લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને ૫૦ હજારની રાશિ આપવાની જાહેરાત કરી છે. તો સામાન્ય ઘાયલ થયેલા લોકોને પણ સરકાર ૨૫ હજાર આપશે. ગંભીર રીતે ઘાયલ લોકોને અમૃતસર મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટિમો રેસ્ક્યુ માટે ઘટનાસ્થળ પર પહોંચી હતી. જો કે હજુ એ વાત સામે આવી નથી કે રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરી કાયદેસર હતી કે કેમ?
આ વિસ્ફોટ એટલો મોટો અને પ્રચંડ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયુ હતું. તો આ વિસ્ફોટના કારણે આસપાસની ફોરવ્હીલોને પણ નુકસાન પહોંચ્યુ છે. ઉપરાંત આ ધમાકો અમુક કિલોમીટર સુધી સંભળાયો હતો. તો નજીકમાં આવેલા એક મોલના કાચ ફૂટી જવાના સમાચાર પણ મળ્યા છે. વિસ્ફોટ બાદ આગના કારણે ધુમાડો એટલો હતો કે બચાવકાર્યમાં અડચણ બની હતી.
મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનિલ જાખડ ગુરૂવારે બટાલાની મુલાકાત લેશે. આ પહેલા જ અમરિન્દર સિંહે કેબિનેટ મંત્રી તૃપ્ત બાજવાને બટાલા પહોંચવાના આદેશ આપ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ છે. તો ગુરદાસપુરના સાંસદ સની દેઓલે પણ આ ઘટના અંગે કહ્યુુ છે કે બટાલામાં ફટાકડા ફેક્ટરીમાં આગના કારણે જાન માલના નુકસાન અંગે જાણીને દુખ થયુ છે.

