લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, “કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી.”
ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, “જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું.”
“નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી 370 રહેવી જોઈએ, હંમેશાં માટે નહીં. નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષો તેની તરફેણમાં કેમ નથી તે સમજાવવાની તેમને તક મળવી જોઈતી હતી.”
“આપણે જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે એવું જ વર્તન કર્યું જેવું પાકિસ્તાન ગિલગિટ, બાલ્ટિસ્તાન કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરી રહ્યું છે.”
તેમનું નવું પુસ્તક ‘ધ હિન્દુ વે’ પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર બાબતે ઊંડી શ્રદ્ધા સંકળાયેલી છે. “અન્ય ધર્મના ધાર્મિક સ્થળને દૂર કર્યા વિના આદર્શ રીતે ત્યાં એક મંદિર હોવું તો જોઈએ.”

