ટ્રેડ વોરમાં રાહત: ઓક્ટોબરમાં અમેરિકા સાથે બેઠકની ચીનની તૈયારી

દેશ-વિદેશ

ચીન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓક્ટોબર મહીનાની શરુઆતમાં વોશિંગ્ટન ખાતે ચીન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત વ્યાપાર વાર્તા યોજાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ચીનના સામાન પર ટેરિફ વધાર્યા બાદ વાર્તાલાપમાં ભંગાણની આશંકા વર્તાઈ રહી હતી.

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે અને વૈશ્વિક મંદીની આશંકા વર્તાઈ રહી છે. જો કે, હાલમાં આ મામલે ચીન તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ચીને ઓક્ટોબર મહીનામાં અમેરિકા સાથે ઉચ્ચસ્તરીય વાર્તાલાપ માટેની તૈયારી દર્શાવી છે.

ચીનના વાણિજ્ય મંત્રાલયે બંને દેશ ઓક્ટોબર મહીનાની શરુઆતમાં વાર્તાલાપ યોજવા સહમત હોવાની માહિતી આપી હતી. ચીનના ઉપ પ્રધાનમંત્રી લિઉ હી, અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈજર અને અમેરિકાના નાણાંમંત્રી સ્ટીવન મ્નુચિન વચ્ચેના કોન્ફરન્સ કોલ બાદ બંને પક્ષ વાર્તાલાપ માટે તૈયાર થયા હતા.

ચીનના વાણિજ્ય મંત્રાલયે બંને પક્ષ સાથે મળીને કામ કરવા અને સારા વાતાવરણના નિર્માણ માટે વ્યાવહારિક કદમ ભરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. બંને દેશની વ્યાપાર ટીમ સપ્ટેમ્બર એટલે કે ચાલુ મહીનાના મધ્ય ગાળાથી જ વાર્તાલાપ શરુ કરી દેશે અને ઓક્ટોબરની શરુઆતમાં ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ યોજાશે. ગત જુલાઈ મહીનામાં બંને પક્ષ છેલ્લી વખત શાંઘાઈ ખાતે વાર્તાલાપ માટે ભેગા થયા હતા પરંતુ તે બેઠકનું કોઈ પરિણામ નહોતું મળ્યું.

અમેરિકાએ રવિવારથી અનેક ચીની ઉત્પાદનો પર 15 ટકા વધારે આયાત કર લગાવવો શરુ કરી દીધો છે. તેના જવાબરુપે ચીને અમેરિકાના કાચા તેલની આયાત પર વધારાનો ટેક્સ જાહેર કર્યો છે.

આ ઉપરાંત ચીને અમેરિકાના ટેરિફ વિરુદ્ધ વિશ્વ વ્યાપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવી છે. અમેરિકાએ પોતે પહેલી ઓક્ટોબરથી ચીનના આશરે 250 અરબ ડોલરના આયાત પરનો ટેરિફ વધારીને 25થી 30 ટકા કરી દેશે તેવી જાહેરાત પણ કરી હતી.