અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને લઈને ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે અને તેનાથી વિશ્વએ ચેતવું ખૂબ જરૂરી છે. પરણામુ બોમ્બ ધરાવતા દેશના શાસકોની કટ્ટરવાદી માનસિકતા વિશ્વ માટે ખાતક છે.
અમેરિકાના પૂર્વ સંરક્ષણ મંત્રી જિમ મેટ્ટિસે નવા પુસ્તકમાં પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. મેટ્ટિસે દાવો કર્યો હતો કે તેણે વિશ્વમાં જેટલા પણ દેશો સાથે કામ કર્યું છે, તેમાંથી પાકિસ્તાન સૌથી ખતરનાક અને ઘાતક દેશ છે.
પાકિસ્તાન એવો દેશ છે, જ્યાં પરમાણુ બોમ્બ અને ધર્મ ઝનૂની કટ્ટર માનસિકતા એક સાથે છે. મેટ્ટિસે પાકિસ્તાનના સમાજને પરંપરાગત કટ્ટરપંથી ગણાવ્યો હતો.
વિદેશો સાથેના સંબંધોને લગતી એક પરિષદને સંબોધતી વખતે જિમ મેટ્ટિસે ખૂબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનના લોકોનું દુર્ભાગ્ય એ છે કે તેમના ઉજ્જવળ ભવિષ્યનું વિચારે એવો કોઈ નેતા જ દેશમાં નથી.
મેટ્ટિસે તેના નવા પુસ્તક – કોલ સાઈન કેઓસ : લર્નિંગ ટૂ લીડમાં તેમના વિદેશ સાથેના સંબંધોની બાબતે નીરિક્ષણો રજૂ કર્યા હતા. પરિષદમાં તેમણે એ પુસ્તકના સંદર્ભમાં પણ પાકિસ્તાનને કટ્ટરવાદી તેમ જ ખતરનાક દેશ ગણાવ્યો હતો. મેટ્ટિસના પુસ્તકમાં પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીઓ માટે કહેવાયું હતું કે સૈન્યના અધિકારીઓ કટ્ટર માનસિકતા ધરાવતા હોવાથી દેશનું અધ:પતન થઈ રહ્યું છે.
ચીનના સંદર્ભમાં મેટ્ટિસે કહ્યું હતું કે ચીન અલગ પ્રકારની માનસિકતા ધરાવે છે અને અમેરિકાએ તેની સાથે કામ કરવા માટે અલગ રસ્તો શોધવો પડશે. મેટ્ટિસે ટ્રમ્પ સરકારની વર્તમાન નીતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમની કાર્ય પદ્ધતિ બાબતે ચર્ચા થઈ શકે છે, પરંતુ તેમની સરકાર ઈમાનદારીથી કાર્ય કરે છે.
ઉલ્લેખનીય છે કે જિમ મેટ્ટિસ જાન્યુઆરી-2019માં જ ટ્રમ્પ સરકારમાંથી નિવૃત્ત થયા હતા. ટ્રમ્પ સરકારમાં તેમણે શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. એ દરમિયાન તેમને ટ્રમ્પ સાથે મતભેદો થયા હતા.

