દિલ્હીની યુવતીએ IAS દહિયા વિરુદ્ધ કર્યો મોટો ધડાકો, કહ્યું- ‘તમે કોઈ શહેનશાહ છો’

Uncategorized

લગ્ને લગ્ને કુંવારા જેવા ગુજરાતના આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, દહિયાએ ડિપાર્ટમેન્ટની જ એક યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા છે, દહિયા મને એવું કહેતાં હતા કે, આ યુવતી મારી સાથે તેની મરજીથી લીવ ઈન રિલેશનશીપમાં રહે છે.

રવિવારે દિલ્હીની મહિલાએ આ ઘટસ્ફોટ કર્યો છે. મહિલાએ કહ્યું કે, દહિયાએ મારી અને દીકરીની જિંદગી બરબાદ કરી છે, ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, ન્યાય નહિ મળે તો પીએમ કાર્યાલય સામે અનશન કરીશ. બીજી તરફ આ સમગ્ર પ્રકરણની તપાસમાં ગુજરાત પોલીસે પીડિત મહિલાનો હજુ સુધી સંપર્ક કર્યો નથી, જીએડી પણ તપાસ કરી રહી છે પણ જીએડીએ પણ કોઈ સંપર્ક કર્યો નથી. સરકારે નીમેલી તપાસ સમિતિ સોમવારથી કામગીરી શરૂ કરવાની છે.

દિલ્હીની મહિલાએ દાવો કર્યો કે, મારી સાથે બીજા લગ્ન કર્યા એ પછી ત્રીજા લગ્ન ડિપાર્ટમેન્ટની યુવતી સાથે કર્યા છે. આ યુવતી સાથે ગાંધીનગર અથવા તો અમદાવાદના બોપલ ખાતે રહે છે. ગૌરવ દહિયાએ મને એવું કહેલું કે, હું ત્રીજી પત્ની અને તને રાખીશ ત્યારે મેં વિરોધ કરી કહ્યું હતું કે, તમે કોઈ શહેનશાહ નથી.

ત્રીજી યુવતી બાબતે દહિયાએ એવું પણ કહેલું કે, ડિપાર્ટમેન્ટની યુવતી મને બદનામ કરી દેશે, મારી હેલ્પ કરો પ્લીઝ. ડિપાર્ટમેન્ટના લોકો પણ ત્રીજા લગ્ન વિશે જાણે છે. દિલ્હીની મહિલાએ કહ્યું કે, મેં ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પણ ફરિયાદ કરી છે. જીએડીને પણ ફરિયાદ કરી છે પણ હજુ સરકારે એપ્રોચ કર્યો નથી.

મહિલા આયોગ બંને પક્ષની રજૂઆત સાંભળશે

ગૌરવ દહિયા સામે બહુપત્નીત્ત્વ સહિતના આક્ષેપોની ફરિયાદ દિલ્હીની મહિલાએ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ પણ કરી છે, રવિવારે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, આયોગના સભ્યે કહ્યું કે, આ કેસ અમે હેન્ડલ કરી રહ્યા છે. બંને પક્ષને સાંભળીશું. લોકસભામાં આઝમખાનના નિવેદનને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.