ગુજરાતમાં 75 નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય

ગુજરાત

ગુજરાત મહાનગર પાલિકાઓના વિસ્તારોમાં ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ દરમિયાન ૫૪ નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવાની જાહેરાત ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા કરી છે. અમદાવાદમાં ૨૦, સુરતમાં ૧૦, વડોદરામાં ૮, રાજકોટમાં ૮, જામનગરમાં ૩, ભાવનગરમાં ૩ અને જૂનાગઢમાં બે ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકાઓના વિસ્તારમાં કુલ મળીને ૫૪ ફ્લાય ઓવર એક વર્ષના ગાળામાં બાંધવામાં આવશે. તેમણે જણાવ્યું હુતં કે નગરપાલિકાઓના વિસ્તારમાં પણ ૨૧ ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નગર પાલિકાઓમાં દાહોદ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડીયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વાપી, હિમ્મતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં એક એક ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ મળીને ૭૫ ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફ્યાલ ઓવર બનાવવા માટે સંપૂર્ણ નાણાંકીય ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.