પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું બંધ કરવા મ્યુઝિક કંપનીઓને દબાણ કર્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હવે એફએમ રેડિઓ ચેનલોને પાકિસ્તાની ગાયકોના ગીતોનું પ્રસારણ (વગાડવા) કરવા સામે ચેતવણી આપી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઓછામાં ઓછા ૪૦ સૈનિકોનો જાન લેનારા આતંકી હુમલા પછી પણ પાકિસ્તાની ગાયકો અને સંગીતકારો ગીતોનું પ્રસારણ કરવાનું યથાવત રાખવા બદલ એફએમ રેડિઓ સ્ટેશનોને પત્ર લખી મનસેએ ભારે પ્રહાર કર્યો હતો. મનસેના નેતા શાલિની ઠાકરેના જણાવ્યા મુજબ એફએમ રેડિઓ ચેનલોએ પાકિસ્તાની સંગીતનું પ્રસારણ બંધ કરવું જોઇએ અને એ માટે પગલાં લેવાની બાંયધરી આપતો પત્ર જારી કરવો જોઇએ. પાકિસ્તાની તંત્રના આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ સમગ્ર દેશ શોકમગ્ન છે અને એફએમ રેડિઓ ચેનલો પાકિસ્તાની કલાકારોના ગીતો વગાડવામાંથી ઉંચી નથી આવતી એમ તેમણે જણાવ્યું હતું.

