અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં તાલિબાનોએ મંગળવારે બે આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં 48 લોકો માર્યા ગયા હતા અને ડઝનબંધને ઈજા પહોંચી હતી. તાલિબાનોએ એક આત્મઘાતી હુમલો કાબુલમાં રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનની રેલી પર કર્યો હતો. તેમણે અફઘાનિસ્તાનમાં ચૂંટણી પહેલાં વધુ ઘૂસણખોરી અને હિંસાની પણ ચેતવણી આપી હતી.
તાલિબાનોએ પહેલો હુમલો કાબુલની ઉત્તરે મધ્ય પરવાન પ્રાંતમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલીના સ્થળ પર કર્યો હતો. આ હુમલામાં 26નાં મોત નીપજ્યાં હતાં અને 42થી વધુને ઈજા પહોંચી હતી. રાષ્ટ્રપતિ અશરફક ગની એક રેલીને સંબોધી રહ્યા હતા તે સમયે રેલી તરફ જતા એક ચેકપોઈન્ટ પર એક આત્મઘાતી હુમલાખોરે મોટરસાઈકલ પર આવતાં પોતાની જાતને ઊડાવી દીધી હતી.
આ હુમલાના માત્ર એક જ ક્લાક પછી તાલિબાનોએ મધ્ય કાબુલમાં અમેરિકન એમ્બેસી નજીક હુમલો કર્યો હતો. તંત્રે શરૂઆતમાં હુમલામાં જાનહાનીનો ચોક્કસ આંકડો જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ પાછળી જણાવ્યું હતું કે આ હુમલામાં 22 લોકોના મોત નીપજ્યાં છે અને 38થી વધુને ઈજા પહોંચી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ઉતાવળે તાલિબાનો સાથેની વાટાઘાટો રદ કરી દીધી હતી. અમેરિકન પ્રમુખ તાલિબાનો સાથે વાટાઘાટો માટે કાબુલ આવ્યા હતા તે સમયે અમેરિકન દળો પર હુમલાને પગલે ટ્રમ્પે ઉતાવળે વાટાઘાટો રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આ બંને હુમલાની જવાબદારી લેતાં તાલિબાન પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ગનીની રેલી નજીક હુમલો 28મી સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણી ખોરવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. અમે લોકોને ચૂંટણી રેલીઓમાં ભાગ નહીં લેવા ચેતવણી આપી હતી. હુમલા સમયે રાષ્ટ્રપતિ ગની તેમના ટેકેગારોને સંબોધન કરી રહ્યા હતા. જોકે, તેમને કોઈ ઈજા થઈ નથી.
તેમણે હુમલા બદલ તાલિબાનોની ટીકા કરી હતી. બીજીબાજુ તાલિબાનોએ આગામી સમયમાં ચૂંટણી પૂર્વે વધુ હુમલાઓની ધમકી આપી છે. તાલિબાનોની ટીકા કરતાં રાષ્ટ્રપતિ ગનીએ જણાવ્યું હતું કે આ હુમલા દર્શાવે છે કે તાલિબાનો શાંતિ અને સ્થિરતામાં વિશ્વાસ ધરાવતા નથી.
સંયુક્ત રાષ્ટ્રે પણ નાગરિકોના જીવનને મૂલ્યવાન નહીં ગણવા અને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાના મૂળભૂત માનવાધિકાર ભંગ બદલ તાલિબાનોની ઝાટકણી કાઢી હતી. જુલાઈમાં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અભિયાનના પ્રથમ દિવસે જ અશરફ ગનીના સાથી અમરૂલ્લાહ સાલેહની કાબુલ ઓફિસને નિશાન બનાવી કરાયેલા આત્મઘાતી હુમલામાં 20થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં.

