પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ મમતાએ પીએમ મોદીને મિઠાઈ અને કુર્તો ભેટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ પીએમ મોદીનો જન્મદિવસ હતો અને મમતા બેનર્જીએ ટ્વિટ કરીને પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
મમતા બેનર્જીએ પીએમ મોદી પાસે મુલાકાત માટે સમય માંગ્યો હતો. મમતા 20 સપ્ટેમ્બર સુધી દિલ્લીમાં છે. પહેલા આ બંને નેતાઓની મુલાકાત મંગળવારનાં થવાની હતી, પરંતુ પીએમ મોદીનાં પહેલેથી નક્કી કાર્યક્રમોનાં કારણે આ મુલાકાત સંભવ ના થઈ શકી.
લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે જોરદાર પ્રહાર થયા હતા. નરેન્દ્ર મોદીનાં કેન્દ્રમાં આવ્યા બાદથી બંને નેતાઓનાં સંબંધ સારા નથી રહ્યા, પરંતુ આ કડવાશની વચ્ચે પણ મમતા પીએમ મોદીને વર્ષમાં એક-બે કુર્તા મોકલે છે. આ વાતનો ખુલાસો ખુદ પીએમ મોદીએ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા એક ઇન્ટરવ્યૂમાં રાજકીય લોકો સાથે પોતાના સંબંધ વિશે જાણકારી આપતા કહ્યું કે, “મમતા દીદી આજે પણ મારા માટે વર્ષમાં એક-બે કુર્તા મોકલે છે.”

