ગુજરાતમાં લીલો દુકાળ, ખેતીમાં 25 હજાર કરોડથી વધુનું નુકસાન

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં વધુ પડતો વરસાદ પડતાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે, અતિવૃષ્ટિના કારણે તલ-બાજરી-જુવાર સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, કપાસ-મગફળીમાં પણ નુકસાન છે, અંદાજે ૨૫ હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થયું છે, આ સ્થિતિમાં તાત્કાલિક સરવે કરાવી ખેડૂતોને પાક વીમાની રકમ તેમજ જરૂરી સહાય ખેડૂતોને ચૂકવવી જોઈએ તેવી માગણી મંગળવારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.

55 તાલુકામાં અસામાન્ય, 103 તાલુકામાં અતિગંભીર સ્થિતિ છે. વિરોધ પક્ષના નેતાએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના તમામ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, ગામોમાં ઘરવખરી તથા માલસામાનને નુકસાન થયું છે. કાચા પાકા મકાનો ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે, એમાં પણ તાત્કાલિક સહાય આપવી જોઈએ. ખેતીમાં ડાંગર, ધાન, તુવેર, મગ, મઠ, અડદ, કપાસ, મગફળી, દિવેલા, સોયાબીન, શાકભાજી, ઘાસચારા વગેરેનું અંદાજે 85.87 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે મોટે ભાગે નિષ્ફળ ગયું છે, ખેડૂતોને ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઇટ, પાણી વગેરેમાં અંદાજિત 25 હજાર કરોડ કરતાં વધારે નુકસાન છે, પ્રતિ વિઘા સરેરાશ ૫ હજાર ખર્ચ થાય એટલે પ્રતિ હેક્ટર 30 હજાર ખર્ચ ગણતાં 85.87 લાખ હેક્ટરમાં 25 હજાર કરોડ કરતાં વધુ નુકસાન થયું છે. સરકારે નક્કી કરેલી ચાર વીમા કંપનીઓ છે, ખેડૂતોએ 48 કલાકમાં ટોલ ફ્રી નંબર ઉપર અતિવૃષ્ટિની જાણ કરવાની હોય છે પણ નંબર લાગતાં નથી, વીમા કંપની 48 દિવસે પણ સરવે માટે આવતી નથી, જેને કારણે વીમાનો લાભ મળતો નથી, આમ સરકારે વીમા કંપનીને બદલે ખેડૂતોને ચિંતા કરવી જોઈએ, સરકારે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશડોલ ચૂકવવી જોઈએ, સરકારે તાત્કાલિક સરવે કરાવી વળતર ચૂકવવું જોઈએ.