પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફે કાશ્મીર મુદ્દાથી પોતાની રાજકીય જમીન શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુશર્રફે સક્રિય રાજનીતિમાં પરત ફર્યા બાદ કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે અને કંઇ પણ થઈ જાય, સેનાની સાથે દેશ કાશ્મીરી લોકોની સાથે ઉભો રહેશે. દુબઈમાં રહેતા જનરલ (રિટાયર્ટ) મુશર્રફે કારગિલ સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે પાકિસ્તાનનાં શાંતિનાં પ્રયત્નો છતા ભારત વારંવાર ધમકી આપી રહ્યું છે.
ભારતીય સેના કારગિલનું યુદ્ધ ભૂલી ગઈ છે: મુશર્રફ
તેમણે કહ્યું કે, “કદાચ, ભારતીય સેના કારગિલનું યુદ્ધ ભૂલી ગઈ છે.” તેમણે દાવો કર્યો કે વર્ષ 1999માં આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ભારતે અમેરિકી રાષ્ટ્રપતિની મદદ લેવી પડી હતી. ઑલ પાકિસ્તાન મુસ્લિમ લીગનાં 76 વર્ષનાં અધ્યક્ષ મુશર્રફે રવિવારનાં પાર્ટીનાં સ્થાપના દિવસ પર દુબઈથી ટેલિફોન દ્વારા ઇસ્લામાબાદમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ટિપ્પણી કરી. તેમણે પોતાના બગડતા સ્વાસ્થ્યનાં કારણે ગત વર્ષે રાજકીય ગતિવિધિઓમાંથી આરામ લીધો હતો.

