ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની કમજોર સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતા જાહેર કરી છે. દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત (સુરક્ષા) આઇડી શુક્લાએ કહ્યું,”ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ધ્યાનમાં આવ્યું કે ચીફ જસ્ટિસની સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર છે. લોકો તેમની નજીક જઇને માળા પહેરાવી રહ્યા છે અથવા તો તેમની સાથે સેલ્ફી લઇ રહ્યા છે. આ બિલકુલ ઉચિત ન કહેવાય અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ લાગવો જોઇએ. ”
સુરક્ષા એજન્સીઓને વધારાની સાવધાની રાખવા નિર્દેશ
બેઠક બાદ ચીફ જસ્ટિસની સુરક્ષાથી જોડાયેલી તમામ એજન્સિઓને તેમના કોન્વોયને સુરક્ષિત પાર્કિંગ ઉપલબ્ધ કરાવવાથી લઇ નજીકમાં સુરક્ષાની ટીમ તહેનાત કરીને સુરક્ષા ઘેરો બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર એડવાઇઝરીમાં વર્તમાન હાલતને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે મહત્વપૂર્ણ લોકોની સુરક્ષામાં કોઇ ચૂક ન થાય.
તાજેતરમાં જ અમુક એવી ઘટનાઓ સામે આવી છે જ્યારે ભીડમાંથી લોકો ચીફ જસ્ટિસની નજીક પહોંચીને તેમની સાથે સેલ્ફી લેવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષાને લઇને આ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી.