ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થતી ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ થયું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થાય છે તે ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોર સેડાનના એક્સ્ટેન્ડેડ વર્ઝનનું આજે કંપની દ્વારા કોમર્શિયલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કંપની ઇલેક્ટ્રિક કાર માત્ર સરકારને જ વેચતી હતી જે હવેથી લોકો માટે પણ ઉપલબ્ધ બનશે. ટાટાએ આ કાર ભારતના 30 શહેરોમાં વેચાણ માટે લોન્ચ કરી છે અને સરકાર દ્વારા અપાતી સબસીડી બાદ કરતા તેની એક્સ શો રૂમ કિમત રૂ. 9.44 લાખ જેવી થવા જાય છે. ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક વ્હિકલ બિઝનેસના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સર્વિસના હેડ આશેશ ધારે જણાવ્યું કે, ટિગોર ઇવી વિસ્તૃત રેંજ મોડેલ યોગ્ય રીતે લાંબા અંતરની એપ્લિકેશંસની આવશ્યકતાઓને ધ્યાનમાં લે છે અને અમારા વ્યાપારી ગ્રાહકો માટે ઉંચી આવક મેળવવાની સંભાવના પૂરી પાડે છે. આ કારની 213 કિમીની રેન્જ છે.

સાણંદમાં મહીને 200-300 ઈ-કારનું ઉત્પાદન થાય છે
કંપની સુત્રોના જણાવ્યા પ્રમાણે ટાટા મોટર્સના સાણંદ ખાતેના પ્લાન્ટમાં મહીને 200-300 ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાની ક્ષમત છે. કંપની પાછલા એક-દોઢ વર્ષથી સરકારમાંથી મળતા ઓર્ડર જ પુરા પડતી હતી. હવે જયારે કોમર્શિયલ લોન્ચિંગ થઇ ચુક્યું છે ત્યારે સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉત્પાદન કંપની વધારે તેવી સંભાવના છે.

આ કાર ફાસ્ટ અને સ્લો એમ બંને રીતે ચાર્જ થઇ શકે છે
કંપનીએ જણાવ્યા મુજબ ત્રણ વેરીયન્ટમાં ઉપલબ્ધ નવા લોન્ચ થયેલા મોડેલમાં બે ચાર્જીંગ પોર્ટ આપવામાં આવ્યા છે અને આ ગાડી ફાસ્ટ મોડમાં તેમજ સ્લો મોડમાં પણ ચાર્જ થઇ શકે છે. આમાં ઊંચા તાપમાનની સ્થિતિમાં પણ સુસંગત કામગીરીની ખાતરી કરવા માટે બેટરી ઠંડક પ્રણાલીની રચના કરવામાં આવી છે.