PNB કૌભાંડ મામલે CBIએ મેહુલ ચોક્સીને ભાગેડું જાહેર કરવાની કરી માંગ

મુખ્ય સમાચાર

CBIએ ગુરૂવારે કોર્ટ સમક્ષ મેહુલ ચોક્સીને પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડું જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. સીબીઆઈએ કહ્યુકે, ચોક્સી નોનબેલેબલ વોરંટનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો છે. જેને કારણે તેને ભાગેડું જાહેર કરવાની અને તેની સંપત્તિને અટેચ કરવાની પરવાનગી આપવામાં આવે. સીબીઆઈએ ચોક્સીની તરફથી પોતાની સામે રજૂ કરાયેલાં NBWને ફગાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીનો પણ વિરોધ કર્યો હતો. કોર્ટ આ મામલામાં 17 ઓક્ટોબરે આગળની સુનાવણી કરશે. લગભગ 14 હજાર કરોડ રૂપિયાનાં આ કૌભાંડમાં ચોક્સી પોતાના ભાણીયા નીરવ મોદી સાથે મુખ્ય આરોપી છે. સીબીઆઈ મામલાના વિશેષ જજ વીસી બાર્દેની સામે રજૂ અરજીમાં સીબીઆઈએ કહ્યુ, ચોક્સી પોતાને છુપાવવા માટે આ મામલામાં પહેલી એફઆઈઆર નોંધાય તે પહેલાં જ દેશ છોડીને ભાગી ગયો છે. અરજીમાં આગળ કહેવામાં આવ્યુ છેકે, ચોક્સીએ કોર્ટ તરફથી રજૂ કરેલાં વોરંટથી બચવા માટે પહેલાં જ કેરેબિયન દ્વીપસમૂહનાં દેશ એન્ટિગુઆની નાગરિકતા લઈ રાખી છે. નોન બેલેબલ વોરંટ ફગાવવાની અરજીનો વિરોધ કરતાં સીબીઆઈનાં વકીલ એ. લિમોસિને કહ્યુ, આરોપી ફરાર છે અને તેની સાથે પુછપરછ કરવી તે અમારો અધિકાર છે.