ઉસ્માનપુર, મણિનગરમાં ભુવા પડયા, મ્યુનિ.તંત્રમાં દોડધામ

ગુજરાત મુખ્ય સમાચાર

– વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત

– શહેરીજનો જીવના જોખમે વાહનો હંકારે છે

અમદાવાદ,તા.12 જાન્યુઆરી 2019,શનિવાર

મેગાસિટી અમદાવાદમાં વગર વરસાદે પણ ભુવાઓ પડવાનો સિલસિલો હજુ યથાવત રહેવા પામ્યો છે. આજે ઉસ્માનપુરા અને મણિનગરમાં બે ભુવાઓ પડયા હતા. જેની જાણ થતા જ મ્યુનિ.તંત્રએ સલામતી ખાતર બેરીકેટ ગોઠવી દીધા છે.

ઉસ્માનપુરા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ તરફ જતા નાના ચાર રસ્તા પડે છે ત્યાં આજે રોડ પર એકાએક ભુવો પડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ પર એક જ વર્ષમાં આ ત્રીજી વખત ભુવો પડયો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર ગોરના કુવા તરફ જતા માર્ગ પર દક્ષિણી અંડરપાસ નજીક મુખ્ય માર્ગ પર પણ એક ભુવો પડયો હતો. નોંધપાત્ર છેકે અઠવાડીયા અગાઉ જ વટવા-નારોલ માર્ગ પર વટવા પોલીસ સ્ટેશનની નજીક પણ મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડયો હતો.