જાણો તૂર્કી કેમ સીરિયાના કુર્દોનો ખુરદો બોલાવી રહયું છે ?

દેશ-વિદેશ

તૂર્કીએ મધ્યપૂર્વના દેશ સીરિયા પર આક્રમણ કરતા ફરી પલીતો ચંપાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સીરિયામાં વર્ગવિગ્રહ ફાટી નિકળ્યો જેમાં ૨ લાખથી વધુ લોકોના મોત થયા હતા. રશિયા અને અમેરિકાએ વર્ચસ્વની લડાઇમાં સીરિયા પાયમાલ થયું છે. હવે તુર્કીએ કુર્દીશો પર હુમલો કરતા ફરી સીરિયા પર વિશ્વ બિરાદરીનું ધ્યાન કેન્દ્રીત થયું છે. અમેરિકાનું લશ્કર સીરિયામાં ખસી જતા તુર્કીએ જે પગલું ભર્યુ તેની ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ ટીકા કરી છે. રશિયાએ તો સીરિયામાં શકિતનું અ સમતોલન સર્જાશે એવી ચેતવણી આપી છે. તુર્કી એ શા માટે સીરિયા પર આક્રમણ કરવું પડયું તે જાણવું જરુરી છે.

પહેલા તો તુર્કીએ સમગ્ર સીરિયા પર નહી પરંતુ પોતાના દેશની સરહદ સાથે સ્પર્શતા ઉત્તર સીરિયાના ભાગ પર હુમલો કર્યો છે. અહીંયા કુ્રર્દીશ વિદ્રોહી જુથોનો અડ્ડો છે. રશિયા અને અમેરિકાએ સીરિયા પર કાર્યવાહી કરવામાં પોતા પોતાના ગણિત જોયા હતા. જેમાં કુર્દીશનો સફાયો થઇ શકયો ન હતો. કુર્દોને રશિયા સમર્થન કરતું હોવાનું મનાય છે.

ગત સપ્તાહ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ કે પોતે સીરિયાની અંતહિન લડાઇમાંથી પોતે ખસી જવા માંગે છે જેમાં સીરિયાના ઉત્તર ભાગમાં રહેલા કુર્દો સાથે તુર્કી પોતે જ લડી લે એવો શૂર હતો. પ્રાપ્ત માહિતી મુજબ તુર્કીએ નોર્થન સીરિયાની સરહદ નજીક કુર્દોનું નેતૃત્વ કરી રહેલા સીરિયન ડેમોક્રેટિક ગઢબંધન ૧૦૦૦થી વધુ વિદ્રોહીઓને ઠાર માર્યા છે. તુર્કી અને કુર્દો વચ્ચેની દુશ્મનાવટ ખૂબજ જુની છે. તુર્કી વર્ષોથી કુર્દોના સંગઠનને આતંકવાદીઓ સમજે છે તેના તાર તુર્કી સુધી જોડાયેલા છે.

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામે લડી રહેલા સશસ્ત્ર કુર્દીશ પીપલ્સ પ્રોટેકશન યૂનિટ (વાઇપીજી)આતંકી સંગઠન છે જે તુર્કીમાં કુર્દીસ્તાન વર્કસ પાર્ટી (પીકેક)ને સમર્થન કરે છે. તુર્કીમાં કુર્દીસ્તાન વર્કસ પાર્ટીએ ૧૯૮૪માં કુર્દોના અધિકારો માટે તુર્કી સરકાર સામે બગાવત કરી હતી. આ વિદ્રોહને દબાવવા તુર્કીમાં મોટા પાયે હિંસા થઇ હતી. આજે પણ કુર્દીસ્તાન વર્કસ પાર્ટી તુર્કી સરકાર માટે કડવાશ ધરાવે છે. તેને જયારે પણ મોકો મળે ત્યારે હિંસા આચરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘર આંગણે કુર્દોની સમસ્યાને લઇને તુર્કી સરકાર ખૂબ સચેત બની છે.

બીજી બાજુ કુર્દો પાડોશી દેશ સીરિયામાં એટલા શકિતશાળી બન્યા છે કે ઉત્તરી સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના હિંસાખોરોને હટાવીને પોતાનો કબ્જો ધરાવે છે. અહીંયા જયાં ૧૦ લાખ કુર્દો મજાથી રહે છે. તુર્કીને લાગે છે કે જયારે પણ સીરિયાનું રાજકિય કોકડું ઉકેલાશે ત્યારે કુર્દોનું વર્ચસ્વ રહેશે. આવા સંજોગો રચાય તો તુર્કીના અલગાવવાદી કુર્દોને બળ મળે અને ઘર આંગણે અશાંતિ નો પલિતો ચંપાતા વાર લાગે નહી. આવું ના બને તે માટે ન રહે બાંસ, ન બજે બાંસુરી કહેવત મુજબ કુર્દોને ખોખરા કરીને નબળા પાડવાની તુર્કીની ગણતરી છે.

તુર્કી સીરિયા સાથે સંકળાયેલી સરહદ બાજુ મજબૂત સુરક્ષા કવચ પણ ઉભું કરવા માંગે છે. જો કે લડાયક કુર્દો સામે લડવું સરળ નથી. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટને ટકકર આપનારા કુર્દ વિદ્રોહીઓ પાસે પણ વિદેશી શસ્ત્રો અને દારુગોળો છે. અત્યાર સુધી સીરિયા વૉરમાં ૧૧ હજારથી વધુ કુર્દોએ ઇસ્લામિક સ્ટેટ સામે લડીને પ્રાણોની આહુતી આપી છે. ગેરિલા વૉરમાં માહિર કુર્દ વિદ્રોહીઓ જલદી હાર માને તેવા નથી.

તુર્કી અને કુર્દો વચ્ચેની દુશ્મનાવટ વર્ષો જુની છે પરંતુ તુર્કીની સત્તાધારી પાર્ટી હુમલાનો સમય પસંદ કર્યો છે પણ નોંધવા જેવો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ અર્દોવાનની લોકપ્રિયતા ઝડપથી ઘટતી જાય છે. ઇસ્તાલૂબ સહિતના મોટા શહેરોમાં થયેલી સ્થાનિક ચૂટણીઓમાં સત્તાધારી પાર્ટીની હાર થઇ છે. છેલ્લા ૨૫ વર્ષમાં પ્રથમ વાર વિપરીત પરીણામો આવ્યા હોવાથી રાષ્ટ્રવાદનો માહોલ ઉભો કરીને લોકપ્રિયતા ટકાવી રાખવા તુર્કી સરકારે કુર્દો પર હુમલો કર્યો હોવાનું પણ મનાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ એર્દોઆને કોઇ પણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થવાનો ઇન્કાર કર્યો છે.