મક્કડ / પાકિસ્તાનથી આવેલા રણ તીડોના ટોળાએ કચ્છના ખેતરો પર આક્રમણ કર્યું, ખેડૂતો ટેન્શનમાં

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તીડ ટોળાંમાં ઉડનારા જંતુ છે. તે લાખોની સંખ્યા હોય છે, કિ.મી.ના કિ.મી. સુધી વાદળોની જેમ ફેલાઇ જાય છે. તેઓની ખાસીયત છે કે તે જ્યાં બેસે ત્યાં રાત- રાતભરમાં જ લહેરાતા ખેતરોના ખેતરો સાફ કરી નાખે છે. કચ્છની દરિયાઇ પટ્ટીના અબડાસાથી લખપતના સરહદી ગામડાંમાં રણ તીડ દેખાયા છે. અબડાસા તાલુકાના ગુનાઉ, મોટી બેર, વાલાવારી, લખપત તાલુકાના લખપત, સિયોત, ગુનેરી, છેર નાની, મોટી કાનેર, મુધાન તેમ જ ખાવડા પંથકના સુમરાપોર અને કુરન ગામ વચ્ચે પણ તીડના ઝુંડ દેખાયા હતા.

કચ્છના પર્યાવરણશાસ્ત્રી અને કિટકશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ મેળવનારા જુગલ કિશોર તિવારીના જણાવ્યા મુજબ. ‘કચ્છી ભાષામાં રણ તીડને મક્કડ કહેવાય છે. તેનું શાસ્ત્રીય નામ સ્કિસ્ટોસેરકા ગ્રેગેરિયા છે. આ તીડ અત્યંત ખતરનાક હોય છે અને જો તેને રોકવામાં ન આવે તો ખેતરોના ખેતરો સાફ કરી નાખવાની તાકાત ધરાવે છે. ખેતરોમાં તીડના ટોળાના વિડિયો વાઇરલ થયા છે. તેથી અનેક ખેડૂતો સજાગ બન્યા છે.’

ખેડૂત અગ્રણીઓ મુજબ, લખપત તાલુકાની ઉત્તરે રણ વિસ્તારમાંથી તીડના ધાડા પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં તે 200 બચ્ચાંને જન્મ આપે છે તેથી જો તે ખેતરમાં રાત રોકાય તો તેની સંખ્યા ચાર ગણી થઇ જાય છે.

તીડના ટોળાંને કાબુમાં રાખવા માટે દવાનો હવાઇ છંટકાવ જરૂરી

આથી તીડને રાતવાસો કરવા ન દેવાય તે જરૂરી છે. તીડ જ્યાં બેસે ત્યાં થોડી જ વારમાં આખું ખેતર સાફ કરી નાખતા હોય છે. તે બે કિ.મી.ના પટ્ટામાંથી પસાર થતા હોવાથી આસપાસના વિસ્તારના ખેડૂતોએ પણ સાવધાની રાખવી જરૂરી છે. હાલમાં તીડના ટોળાં ખેતરોમાં, ઝાડ ઉપર અને ઘાસિયા મેદાનમાં મોટી સંખ્યામાં દેખાય છે. તીડના ટોળાંને કાબુમાં રાખવા માટે દવાનો હવાઇ છંટકાવ કરવાની જરૂર છે.

ત્રણ વરસના દુષ્કાળ પછી આ વરસે કચ્છમાં શ્રીકાર વરસાદ પડતાં ખેડૂતો સારો પાક મેળવવાની આશા સેવી રહ્યા છે. ત્યારે આ કુદરતી વિઘ્નના કારણે તેમની ચિંતા વધી છે.

તીડની સંખ્યા ઓછી છે અને તેની આક્રમણ શક્તિ પણ ઓછી છેઃ તીડ નિયંત્રણ અધિકારી

જો કે તીડ નિયંત્રણ અધિકારીના મતાનુસાર, તીડની સંખ્યા ઓછી છે અને તેની આક્રમણ શક્તિ પણ ઓછી છે. તે દવા છંટકાવથી અંકુશમાં આવી જશે. તંત્ર દ્વારા ખુલ્લી જગ્યામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખેતરોમાં તીડનો ઉપદ્રવ ટાળવા માટે નિયત કરાયેલી દવાનો છંટકાવ કરવો જોઇએ. ખેતીવાડી અધિકારી અને તેમની ટીમે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ગુનેરી, સાંયરા, બૈયાવા, કાનેર, વગેરે વિસ્તારમાં તીડના ટોળાં જોવા મળ્યા હતા.

લખપત તાલુકામાં અઢી દાયકા પહેલા પણ તીડનું આક્રમણ થયું હતું. મોટી ઉંમરના ખેડૂતો તે દિવસો અત્યારે યાદ કરી રહ્યા છે.

ખેડૂતોએ કઇ દવાનો છંટકાવ કરવો

જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તીડ નિયંત્રણ માટે બેંડિયોકાર્બ 80 ટકા ડબ્લ્યુ. પી., ક્લોરપાયરીફોસ 20 ટકા અથવા 50 ટકા ઇસી, ડેલ્ટામેથ્રીન 2.8 ટકા અથવા 1.25 ટકા ઇસી. 25 ટકા ડબ્લ્યુ પી, ફ્રિપોનીલ 5 ટકા એસસી, લેમ્બાડસાલોથ્રીન 5 ટકા ઇસી, 25 ટકા ડબ્લ્યુ પી, 96 ટકા યુએલવી નામની દવાનો છંટકાવ કરવાનું જણાવાયું છે.