ગુજરાત વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા બે ઉમેદવારોની કારમી હાર થઈ છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા માટે રાહ જોઇને બેઠેલા ધારાસભ્યો માટે બંનેની હાર લાલબત્તી સમાન બની ગયું છે.પાર્ટી બદલવાથી જીત મળતી ન હોવાનું બંનેની હારથી સાબિત થયું છે. જ્યારે ભાજપમાં પણ સલામતી ન હોવાનું બંનેની હારે બતાવ્યું છે.
ભાજપને ફટકો
કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડીને સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં હારથી બંને ઉમેદવારોની સાથે ભાજપને મોટો ફટકો પડ્યો છે.
બંનેએ પાર્ટીના ચિહ્ન બદલ્યા પણ લોકોનો મિજાજ ન બદલાયો
આ બંને ધારાસભ્યો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ચિન્હ પર અને સ્થાનિક જનતાના મતથી ધારાસભ્ય બન્યા હતા. પરંતુ અધવચ્ચે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને ધારાસભ્યપદના પણ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ આ બંને ધારાસભ્યોએ ભાજપના સિમ્બોલ પર વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા. પરંતુ બંનેનો કારમો પરાજય થયો છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં જવા થનગનતા સામે લાલબત્તી
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટેનો એક સિલસિલો શરૂ થયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડીને ભાજપના ધારાસભ્ય પદ મેળવવા માટે હોડ લાગી હતી. તેવા સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાની હારના કારણે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માટે રાહ જોઇને બેઠેલા કેટલાક ધારાસભ્યો માટે લાલ બત્તી બતાવી છે.
