મોદી જવાનો વચ્ચે દિવાળી મનાવવા રાજૌરી પહોંચ્યા, કહ્યું- સૈનિકોની વીરતા આપણા દેશને સુરક્ષિત રાખે છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળી મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજૌરી પહોંચ્યા છે. અહીં LoC પર આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઇને મોદી પહોંચ્યા હતા. અહીં તેમણે જવાનોને દિવાળીની શુભેચ્છા આપીને પોતાના હાથે સૌને મિઠાઇ ખવડાવી હતી. મોદીઅગાઉ પણ પાકિસ્તાન નજીક આવેલી પંજાબ સરહદ, સિયાચિન ગ્લેશિયર અને ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો.

મોદીએ ટ્વીટ કર્યું, “આપણા સૈનિકોના સાહસની કહાણીઓ વ્યાપક રૂપથી જણાવવામાં આવે છે પરંતુ શું તમે પ્રાકૃતિક આપદાઓ દરમિયાન આપણા સશસ્ત્ર દળોના સાહસ વિશે જાણો છો ? તેમના દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીઓ લોકોનો જીવ બચાવે છે અને સાર્વજનિક સંપત્તિને નષ્ટ થવાથી બચાવે છે. મેં સૈનિકો સાથે વાતચીત કરી અને ભારતની જનતા તરફથી અવિસ્મરણીય સેવા માટે તેમને ધન્યવાદ આપ્યો. તેમની સતર્કતા અને વીરતા આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખે છે. અમારી સરકાર સૈનિકોના કલ્યાણ માટે મોટા નિર્ણયો લઇ રહી છે. ”

વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી ત્રીજી વખત કાશ્મીરમાં જવાનો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. વર્ષ 2014માં તેમણે સિયાચિનમાં સૈનિકો વચ્ચે દિવાળી ઉજવી હતી. વર્ષ 2015માં તેઓ પંજાબ બોર્ડર પર દિવાળી ઉજવવા માટે ગયા હતા. તેમની આ યાત્રા ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુદ્ધના 50માં વર્ષના પ્રસંગે હતી. વર્ષ 2016માં પ્રધાનમંત્રીએ હિમાલચ પ્રદેશ નજીક ચીન સરહદ પાસે ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. પ્રધાનમંત્રી તરીકે મોદીએ તેમની ચોથી દિવાળી વર્ષ 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે મનાવી હતી.

ગયા વર્ષે મોદીએ ચીન સીમા પર જવાનોની મુલાકાત કરી હતી

ગયા વર્ષ પ્રધાનમંત્રી દિવાળી પ્રસંગ પર ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરના દર્શન માટે ગયા હતા. જ્યાં તેઓ ચીન બોર્ડ પાસે હરસિલ ગામના કેન્ટ વિસ્તારમાં ભારતીય સશસ્ત્ર દળ અને આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે જવાનોને કહ્યું હતું કે બર્ફીલા વિસ્તારોમાં તમારી આ ફરજ દેશને મજબૂતી પ્રદાન કરે છે. તમારી આ ફરજને લીધે જ દેશનું ભવિષ્ય અને સવા સો કરોડ લોકોના સપના સુરક્ષિત છે. ભારત આજે રક્ષાના ક્ષેત્રમાં વિશ્વમાં મોખરાના દેશોમાં સ્થાન ધરાવે છે. ભારતીય ફોજની બહાદુરીથી સમગ્ર વિશ્વ પરિચિત છે.
રાજૌરીમાં દિવાળી મનાવીને પાછા ફરતી વખતે વડાપ્રધાન મોદી પઠાણકોટ એરસ્ટેશનની મુલાકાતે ગયા હતા.