ચીન (China)ને ચેતવણી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું ફન્ડિંગ રોકવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના નિર્ણયની વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના જવા કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે. મંગળવાર અમેરિકા માટે ઘણો ખરાબ દિવસ પુરવાર થયો અને દેશભરમાં કોરોના સંક્રમણ (Coronavirus)ના લગભગ 27000 નવા કેસ સામે આવ્યા. માત્ર એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં સંક્રમણની ઝપટમાં આવેલા 2403 લોકોનાં મોત થયા છે. તેની સાથે જ અમેરિકામાં કોરોના (COVID-19)થી થનારા મોતની સંખ્યા હવે 26047 થઈ ગઈ છે.
આ પહેલા મંગળવારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે દેશમાં લૉકડાઉન હટાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા સાથે જોડાયેલા નિર્ણયને લેવામાં કોઈ પ્રકારની સલાહની જરૂર નથી અને તેઓ જાતે નિર્ણય લેવામાં સક્ષમ છે. ત્યારબાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યોમોએ તેમની વિરદ્ધ મોરચો ખોલી દીધો હતો. ક્યોમોએ કહ્યું કે તેઓ એવું કોઈ પગલું નહીં ઉઠાવે જેનાથી લોકોની જિંદગી ખતરામાં મૂકાય. તેઓએ કહ્યું કે ટ્રમ્પ તાનાશાહીથી બચે કારણ કે તેઓ રાષ્ટ્રપ્રમુખ છે, દેશના રાજા નથી. સાથોસાથ એવું પણ કહ્યું કે કોરોના વાયરસ કોઈ ડેમોક્રેટ કે રિપબ્લિકનને નહીં પરંતુ અમેરિકનનો જીવ લેશે.
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એ અફવાઓને ફગાવી દીધી જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર એન્થની ફૉસીને સસ્પેન્ડ કરવાનું છે. ડૉક્ટર ફૉસી હાલ કોરોના સંક્રમણના મામલામાં વ્હાઇટ હાઉસના મુખ્ય તબીબી સલાહકારો પૈકીના એક છે. ડૉક્ટર ફૉસીએ થોડા દિવસો પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે સમયસર પગલાં ભરવા જોઈતા હતા. જોકે, ટ્રમ્પે કહ્યું કે હું તેમને પસંદ કરું છું, સસ્પેન્ડ કરવાની વાત અફવા છે.