દિવાળીના દિવસે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર: ‘ક્યાર’નો ખતરો ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

ગુજરાત મુખ્ય સમાચાર

દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ‘ક્યાર’ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને અસર કરશે. દરિયામાં કરંટ વધુ હોવાના કારણે બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના જારી કરવામાં આવી છે. બીજી તરફ વાવાઝોડાની અસરને કારણે ઠંડીનો ચમકારો પણ વર્તાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘ક્યાર’ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પાસેથી પસાર થઈ પશ્ચિમી અરબી સમદ્રથી ઓમાન તરફ જશે. જેથી ગુજરાત પરથી આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. જોકે, વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાને કારણે સોમનાથ, દીવ સહિત દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. આગામી અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હળવો કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસરને કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કરંટના કારણે દરિયા કિનારે 30 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા છે અને દરિયો તોફાની બન્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ સાપુતારામાં વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે 17.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.