પૂર્વ ક્રિકેટરનાં આરોપો પર અનુષ્કા શર્મા લાલઘૂમ, પત્ર લખીને ઠાલવ્યો વર્ષોનો ઉભરો

ખેલ-જગત મુખ્ય સમાચાર

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનાં પસંદગીકારો દ્વારા તેની સેવાચાકરી કરવાનાં આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેના નામ પર પાયાવિહોણા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તે ક્યારેય પણ ભારતીય ક્રિકેટનાં મુદ્દાઓ સાથે સંબંધ રાખતી નથી. અનુષ્કાએ કહ્યું છે કે, તે ચુપ રહે છે તેનો મતલબ એ નથી કે તે કમજોર છે.

અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પુરાવાઓ વગરનાં સમાચારોમાં તેનું નામ ઘસેડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની હાર બાદ ઘણીવાર અનુષ્કાનું નામ વિવાદોમાં ઘુસાડવામાં આવતુ હતુ. ગુરૂવારનાં એક અંગ્રેજી સમાચારપત્ર સાથે વાતચીતમાં ભારતનાં પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ફારૂખ એન્જીનિયરે કહ્યું હતુ કે વર્લ્ડ કપ દરમિયાન પસંદગીકારો અનુષ્કાની સેવાચાકરીમાં લાગેલા હતા. જો કે તેમના નિશાને ભારતીય ટીમનાં પસંદગીકારો હતા.

અનુષ્કા શર્માએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘મે હંમેશાથી એ માન્યું છે કે વ્યક્તિ માટે ખોટી અફવાઓ પર ચુપ રહેવું યોગ્ય છે. આ જ રીતે મે 11 વર્ષ કેરિયર હેન્ડલ કર્યું છે. મે હંમેશા મારા મૌનમાં સત્ય અને ગૌરવને જોયું છે. એવું કહેવામાં આવે છે કે કોઇ જૂઠને વારંવાર બોલવાથી તે સત્ય લાગવા લાગે છે અને મને ડર છે કે મારી સાથે આવું જ થઈ રહ્યું છે. મારા મૌનનાં કારણે મારી વિરુદ્ધ બોલવામાં આવેલા જૂઠ સત્ય લાગવા લાગ્યા છે, પરંતુ બસ…બહુ થયું.’

વિરાટ કોહલીનાં પ્રદર્શનને લઇને પણ ઘણીવાર અનુષ્કા શર્માને ટ્રોલ કરવામાં આવી છે. આનો જવાબ આપતા તેણે લખ્યું કે, ‘મારા તત્કાલીન બોયફ્રેન્ડ અને હવે પતિ વિરાટ કોહલીનાં પ્રદર્શનને લઇને મને દોષ આપવામાં આવ્યો, પરંતુ હું ચુપ રહી. સાથે જ ભારતીય ક્રિકેટને લઇને ઘણી પાયાવિહોણી વાતોને લઇને નિશાને રહી. હું ત્યારે પણ ચુપ રહી. મારું નામ લઇને વાર્તાઓ બનાવવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે હું બંધ દરવાજા પાછળ થનારી મીટિંગમાં સામેલ રહી અને પસંદગી પ્રક્રિયામાં દખલ આપું છું, પરંતુ હુ ચુપ રહી.’ અનુષ્કાએ ક્રિકેટને લઇને પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને જવાબ ટ્વિટર પર પત્ર શેર કરીને આપ્યો છે.