ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ટોકિંગ પોઇન્ટ બની હતી. અમ્પાયર્સ ખાસ કરીને નો-બોલને લઈને સાચો કોલ લેવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બીસીસીઆઈએ તેને ધ્યાનમાં રાખતા નિર્ણય કર્યો છે કે IPLની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે. IPLની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક મેમ્બરે કહ્યું કે, એક સ્પેશિયલ અમ્પાયર ફરજ નિભાવશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયર્સ અને થર્ડ અમ્પાયર સાથે કોઓર્ડિનેટે કરીને નો-બોલ અંગે મદદ કરશે. આઇપીએલ પહેલા આ રીતે એક્સ્ટ્રા અમ્પાયરનો ઉપયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં કરવામાં આવશે.
પાવર પ્લેયર કોનસેપ્ટ આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં
બેઠકમાં નક્કી થયું હતું કે, પાવર પ્લેયરનો કોનસેપ્ટ આગામી સીઝનમાં મુકવામાં આવશે નહીં. બોર્ડના અધિકારીએ કહ્યું કે, સમય ઓછો હોવાથી તેને આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં. અમે આઇપીએલ પહેલા તેનો ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઉપયોગ કરવા માગીએ છીએ. તેમાં વધુ સમયની જરૂર હોવાથી હાલના તબક્કે તે થઇ શકે તેમ નથી. તે ઉપરાંત બોર્ડ ફ્રેન્ચાઈઝની વિદેશમાં ફ્રેન્ડલી મેચો રમવાની છૂટ છૂટ આપે તેવી સંભાવના છે.
પાવર પ્લેયર કોનસેપ્ટ
પાવર પ્લેયર કૉનસેપ્ટ અનુસાર દરેક ટીમ મેચ પહેલા 11ની જગ્યા 15 ખેલાડીઓ જાહેર કરશે. તે પછી મેચની પરિસ્થિતિ પ્રમાણે વિકેટ પડે ત્યારે અથવા કોઈ ઓવર સમાપ્ત થાય ત્યારે સબસ્ટિટ્યુટ પ્લેયરને લાવી શકશે. બીસીસીઆઈના અધિકારીએ કૉનસેપ્ટ સમજાવતા કહ્યું હતું કે, 6 બોલમાં 20 રનની જરૂર છે અને આન્દ્રે રસેલ ડગઆઉટમાં બેઠો છે કારણકે તે 100% ફિટ ન હતો. તેથી પ્લેઈંગ 11નો ભાગ નહોતો. પરંતુ આ કૉનસેપ્ટને અમલમાં મુક્યા પછી તે રમવા આવી શકે છે અને હારેલી મેચ જીતાડી શકે છે. તે રીતે જ 6 રન ડિફેન્ડ કરવાં હોય તો જસપ્રીત બુમરાહ આવીને મેચ જીતાડી શકે છે. જોકે આ કૉનસેપ્ટને લાઈવ જોવા માટે ફેન્સને હવે મિનિમમ 2021ના આઇપીએલ સુધી રાહ જોવી પડશે.

