અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આકરા તેવર બતાવનાર ઓવૈસી પર સંત સમાજ ભડકી ઉઠ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ તો ઓવૈસીને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપી દીધી છે.
મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યુ હતુ કે, ઓવૈસી ભારત અને હિન્દુઓ સામે હંમેશા ઝેર ઓકે છે.જો ઓવેસીને ભારતમાં સારૂ ના લાગતુ હોય તો તેમણે પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. ઓવૈસી હંમેશા હિન્દુઓ અને સંતોનુ અપમાન કરતા આવ્યા છે. જો ફરી આવી ભાષાનો ઉપયોગ તે કરશે તો સંત સમાજ અને અખાડા પરિષદ સહન નહી કરે. તેણે ભારતમાં હશે તો ભારતના સંવિધાન અને ન્યાય પાલિકાના આદેશનુ સન્માન કરવુ પડશે. ભારતમાં રહીને પણ જો તે ભારત વિરુધ્ધ નિવેદનો આપશે તો તેનો સંત સમાજ પણ જડબાતોડ જવાબ આપશે.
ગઈકાલે ઓવેસીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, મુસ્લિમોએ મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટે સરકારને 5 એકર જમીન આપવા માટે જે હુકમ કર્યો છે તેને ફગાવી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે પણ અચૂક નથી.
હૈદ્રાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યુ હતુ કે, મારો સવાલ છે કે, જો 6 ડિસેમ્બર, 1992ના રોજ મસ્જિદ તોડી ના પડાઈ હોત તો પણ સુપ્રીમ કોર્ટ આ પ્રકારનો ચુકાદો આપત? મને આ ચુકાદાથી સંતોષ નથી. જેમણે બાબરી મસ્જિદ તોડી છે તેમને જ સરકારે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે.
ઓવૈસીએ ભડકાઉ નિવેદન આપતા કહ્યુ હતુ કે, મુસ્લિમો સાથે અત્યાચાર થયો છે. મુસ્લિમ એટલો ગરીબ નથી કે પાંચ એકર જમીન પણ ખરીદીના શકે. હું હૈદ્રાબાદની જનતા પાસે ભીખ પણ માંગુ તો આટલી જમીન ખરીદવાના પૈસા ભેગા થઈ જશે. મુસ્લિમોને કોઈની ભીખની જરુર નથી.