મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિને જોતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેના ધારાસભ્યોને મળીને તેમને સાથે રાખવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. જો કે સ્થિતિ દર્શાવે છે કે ત્રણેય પક્ષોને ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. આજ કારણથી ત્રણે પક્ષોએ પોતપોતાના ધારાસભ્યોને અલગ-અલગ હોટલમાં મોકલી દીધા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ સંભાવના નકારી નથી શકતા કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કેટલાક ધારાસભ્યો પાર્ટી બદલી શકે છે.
કોંગ્રેસનું માનવું છે કે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ વિશે કંઇપણ અનુમાન લગાવવું ઉતાવળિયું પગલુ રહેશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે વિશ્વાસમત પર મતદાન દરમિયાન અંદર શું બનશે તે કહેવુ મુશ્કેલ છે. ફડણવીસને સમર્થન આપનાર અજીત પવાર એનસીપી ધારાસભ્યો પર સારુ એવું વર્ચસ્વ ધરાવે છે. એવામાં કેટલા ધારાસભ્યો તેમની સાથે સરકારમાં જશે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓનું કહેવુ છે કે વિશ્વાસમત દરમિયાન દળ બદલુ ધારાસભ્યોને પાર્ટીની સભ્યતા ખોવાનો ડર નથી, કારણ કે કર્ણાટકમાં અયોગ્ય જાહેર કરાયેલા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને બીજેપીએ ચૂંટણી ટિકિટ આપી છે. આ સ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ પણ બીજેપીના રહેશે, એવામાં ધારાસભ્યોની યોગ્યતા-અયોગ્યતા પર નિર્ણય લેવામાં સમય લાગી શકે છે.
શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વિધાનસભામાં મતદાનની માંગ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતાનું કહેવુ છે કે વિધાનસભા મતદાન દરમિયાન વોટિંગની વીડિયોગ્રાફી કરવામાં આવે જેથી જાણ થઇ શકે કે કેટલા ધારાસભ્યોએ દળ બદલ્યુ છે. કેટલાએ મતદાન નથી કર્યું, જેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. બીજી તરફ એનસીપી દાવો કરી રહી છે કે અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્યો પાર્ટીમાં પરત ફર્યા છે. એનસીપી દાવો કરી રહી છે કે તેની પાસે 49 ધારાસભ્યો છે.
વિશ્વાસમત દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લમિન, પ્રહર જનશક્તિ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની ભૂમિકા મહત્વની રહેશે. જો તેઓ મતદાનમાં હિસ્સો નથી લેતા તો બહુમત આંકડો ઓછો થશે, જેનાથી બીજેપી માટે બહુમતનો આંકડો પાર કરવું સરળ બની જશે.

