ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 47 વર્ષ જૂના બે કુલિંગ ટાવરને ટેકનોલોજીની મદદથી 30 સેકન્ડના સમયમાં તાસના પત્તાના મહેલની જેમ તોડી પાડવામાં આવ્યા હતા. આ કુલીંગ ટાવર તોડી પડવાનું કારણ એ હતું કે, બંને ટાવર 47 વર્ષ જૂના થઇ ગયા હોવાથી તેની સમય મર્યાદા પૂરી થઇ ગઈ હતી. કુલીંગ ટાવર તોડી પડવાની ઘટનાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કુલીંગ ટાવર તોડતા પહેલા તેની આસપાસના વિસ્તારના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ માર્ગ પરથી કોઈ વાહન ચાલક કે, વ્યક્તિ પસાર ન થાય તે માટે ટ્રાફિકના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા. 47 વર્ષ જૂના કુલીંગ ટાવરને સેકન્ડોમાં તોડી પાડવા માટે ઈમર્જન એક્સપ્લોઝીવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 3:03 મિનીટ પર પહેલો ટાવર અને 3:11 મિનીટના સમયે બીજો ટાવર તોડવામાં આવ્યો હતો. ગુજરાતમાં પહેલી વાર ઈમર્જન એક્સપ્લોઝીવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 118 મીટર ઊંચા ટાવરમાં તોડવામાં આવ્યા હતા. ટાવર જમીનદોસ્ત થવાના કારણે આસપાસના વિસ્તારમાં માટી પણ ઉડી હતી પરંતુ ફાયર વિભાગ દ્વારા પાણીની ગાડીઓ તૈયાર રાખવામાં આવી હતી અને માટી પર તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કુલીંગ ટાવરને તોડવાની કામગીરી ભાવનગરની ગાશીરામ ગોકુલચંદ શિપ બ્રેકર્સ ઇન કોલાબરેશન કંપની દ્વાર કરવામાં આવી હતી. ભારતમાં પહેલી વખત 118 મીટર ઊંચા ટાવરને આ રીતે તોડી પાડવામાં આવ્યા છે. જેથી ગાંધીનગર સૌથી ઊંચા કુલીંગ ટાવર તોડવામાં પ્રથમ શહેર બન્યું છે.
