કોરોના વાઈરસથી દુનિયાને સૌથી પહેલા ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત, ચેતવણી માટે પોલીસે નોટિસ ફટકારી હતી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઈરસ વિશે સૌથી પહેલા દુનિયાને ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે મોત થઈ ગયું છે. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાઈરસના સંકજામાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સમાચાર પર પડદો નાંખવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા, ત્યારે ડોક્ટર વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાઈરસ વિશે લોકોને ચેતવ્યા હતા.

પોલીસે અફવા ન ફેલાવવા માટે નોટિસ ફટકારી
ત્યારબાદ ચીનન સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગે 34 વર્ષીય ડોક્ટર લી વેનલિયાન્ગની પુછ પરછ કરી હતી. આટલું જ નહીં, વુહાન પોલીસે ડોક્ટર લી વેનલિયાન્ગને નોટિસ ફટકારી સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ન ફેલાવવાનું સૂચન કર્યું હતું. કોરોના વાઈરસના સંકજામાં આવનારા ડોક્ટર લી વેનલિયાન્ગે 12 જાન્યુઆરી હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થવું પડ્યું હતું. લી વેનલિયાન્ગ એક દર્દીના સંપર્કમાં આવતા વાઈરસના સંકજામાં આવી ગયા હતા.
WHOએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ
લી વેનલિયાન્ગે ગત વર્ષે 30 ડિસેમ્બરે એક ચેટ ગ્રુપમાં તેમના સાથી ડોક્ટરોને મેસેજ મોકલ્યો હતો અને આ વાઈરસના જોખમ વિશે જણાવ્યું હતું. તેમને આ વાઈરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડાં પહેરવાની સલાહ આપી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીની ડોક્ટર લી વેનલિયાન્ગના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, અમે ડોક્ટર લી વેનલિયાન્ગના નિધનથી દુઃખી છીએ.