મકર સંક્રાંતિ પર સબરીમાલા મંદિરમાં થાય છે ચમત્કાર, દર્શન માટે ઉમટે છે ભક્તો

ધર્મદર્શન

કેરલ, 13 જાન્યુઆરી 2019, રવિવાર

કેરલ રાજ્યનું સબરીમાલા મંદિર વિશ્વ વિખ્યાત છે. મંદિરમાં ભગવાન અયપ્પા સ્વામી બિરાજે છે. ભગવાન શંકરના પુત્ર અયપ્પા સ્વામીના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જવું હોય તો પહેલા ઊંચા પર્વતો પાર કરવા પડે છે. સબરીમાલા મંદિર એક તીર્થસ્થળ છે જેના દર્શને મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ તીર્થસ્થળના દર્શન કરવા માટે ભક્તોએ કઠોર શ્રમ કરવો પડે છે. કેટલાક લોકો વ્રતનું પાલન પણ કરે છે જે વ્રત 41 દિવસોનું હોય છે. આમ તો વર્ષ દરમિયાન અહીં ભક્તો આવતા હોય છે પરંતુ મકર સંક્રાતિનો પર્વ સૌથી વધારે ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે અહીં એક ચમત્કાર થાય છે જેને જોવા માટે લોકો ઉમટે છે. 

14 જાન્યુઆરીના રોજ અહીં મકર વિલક્કૂ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ સૌથી વધારે ખાસ હોય છે. મલયાલમ પંચાંગ અનુસાર વિશુ માસ એટલે કે એપ્રિલ માસમાં 5 દિવસ મંદિરના દ્વાર ખુલે છે. પરંતુ મકર સંક્રાંતિ પર મંદિરની પાસે આવેલા એક પર્વત પર અસાધારણ પ્રકાશ જોવા મળે છે. ભક્તોને આ પ્રકાશ એક જ્યોત સમાન જણાય છે. આ ચમત્કારના દર્શન કરવા માટે ભક્તો અહીં દૂર દૂરથી આવે છે. 

એક કથા અનુસાર અહીં પંડાલમના રાજા રાજશેખરએ અય્યપ્પાને પુત્ર તરીકે દત્તક લીધા હતા. પરંતુ ભગવાન અય્યપાને તે પસંદ ન પડ્યું અને તેઓ મહેલ છોડી અને જતા રહ્યા. આજે પણ અહીં એક પ્રથાનું પાલન કરવામાં આવે છે જેમાં અય્યપા ભગવાનના આભૂષણ એક સંદૂકમાં રાખી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રા 90 કિલોમીટરની હોય છે અને ત્રણ દિવસે તે મંદિરમાં પરત ફરે છે. જ્યારે યાત્રા મંદિર પરત ફરે છે ત્યારે આ ચમત્કાર થાય છે. અહીંના પર્વતની કાંતામાલા નામની ટોચ પરથી એક જ્યોતિ દેખાય છે. ભક્તો માને છે કે આ જ્યોતિ ભગવાન સ્વયં પ્રજ્વલિત કરે છે. આ દિવસે આકાશમાં દેખાતી જ્યોતને મકર જ્યોત કહેવામાં આવે છે.