શું તમે જાણો છો કુંભ અને અર્ધકુંભ વચ્ચેનો તફાવત? જાણો દુનિયાના સૌથી મોટા મેળાની રોચક વાતો

ધર્મદર્શન

અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર

પ્રયાગરાજમાં 14 જાન્યુઆરી 2019ના રોજ સૌથી મોટા ધાર્મિક મેળાનો પ્રારંભ થઈ જશે. મહાકુંભ આગામી 3 માર્ચ સુધી ચાલશે. ભારતના ખૂણેખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેવા અને પવિત્ર સ્નાનના ભાગીદાર બનવા પ્રયાગરાજ તરફ પ્રસ્થાન કરશે. પવિત્ર સંગમ સ્થળે એકવાર સ્નાન કરવાથી જીવનભરના પાપમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા સાથે લોકો અહીં આવે છે. મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખી કુંભ સ્નાન માટે આવતા ભક્તોએ સૌથી પહેલા આ મહા આયોજન વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઈએ. શ્રદ્ધાળુઓ એ ખાસ જાણવું જોઈએ કે તે કુંભ મેળામાં પહોંચે છે કે અર્ધકુંભમાં…

કુંભ અને અર્ધકુંભ વચ્ચેનો તફાવત

કુંભ મેળો હિંદૂ ધર્મનો સૌથી પૌરાણિક અને પવિત્ર ધાર્મિક મેળો છે. ભારતમાં ત્રણ પ્રકારના કુંભ ભરાય છે જેમાં કુંભ, મહાકુંભ અને અર્ધકુંભનો સમાવેશ થાય છે. આમ તો પ્રયાગરાજમાં ભરાતો ધાર્મિક મેળો અર્ધકુંભ છે પરંતુ યૂપી સરકારએ અર્ધકુંભનું નામ બદલી અને કુંભ કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ 2017માં કુંભનો લોગો જાહેર કરતી વખતે અર્ધકુંભનું નામ કુંભ કર્યું હતું. આ પહેલા દર 6 વર્ષમાં ભરાતા મેળાને અર્ધકુંભ કહેવાય છે. 

અર્ધકુંભને કુંભ કરવા પાછળનું કારણ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણય પર તેમની ખૂબ આલોચના પણ થઈ હતી. યૂપી સરકારએ વિધાનસભામાં પ્રયાગરાજ મેળા ઓથોરિટી બિલ રજૂ કર્યું હતું. આ બિલનો વિરોધ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવએ કર્યો હતો તેમણે કહ્યું હતું કે સરકારએ અર્ધકુંભ પર રાજનીતિ ન કરવી જોઈએ તે ઈતિહાસ અને પરંપરાનો વિષય છે. પરંતુ આમ કરવા પાછળ કારણ એવું દર્શાવાયું હતું કે દેશ વિદેશમાંથી લોકો મોટી સંખ્યામાં કુંભ મેળામાં આવી શકે એટલા માટે અર્ધકુંભને કુંભનું નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તર્ક રજૂ કર્યો હતો કે હિંદૂ દર્શનમાં કંઈ પણ અધુરું એટલે કે અર્ધ નથી. ખરેખર તો અર્ધકુંભ દર 6 વર્ષમાં, કુંભ 12 વર્ષમાં અને મહાકુંભ 144 વર્ષે ભરાય છે.