અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર
14 જાન્યુઆરી 2019થી તીર્થરાજ પ્રયાગની પાવન ધરતી પર કુંભ 2019નો શુભારંભ થઈ જશે. 14 જાન્યુઆરી મકર સંક્રાતિના દિવસે કુંભ મેળામાં પહેલું શાહી સ્નાન થશે. પ્રયાગરાજમાં અગાઉથી જ 13 અખાડાના સાધુસંતો એકત્ર થઈ ચુક્યા છે. સંગમ સ્થળ પર વિશાળ જનસમૂહનો અદ્ભૂત નજારો જોવા મળશે. આ તકે સૌથી મોટું આકર્ષણ અલગ અલગ અખાડાના નાગા સાધુઓ હશે. સામાન્ય માણસ માટે સન્યાસી જીવન જીવવું પણ મુશ્કેલ કામ હોય છે. તેવામાં નાગા સાધુ બની અને ત્યારબાદ ખાસ પ્રક્રિયામાંથી પસાર થઈ અને મહામંડલેશ્વર પદ સુધી પહોંચવું તે કેટલું કપરું કાર્ય છે આજે તમને જાણવા મળશે. નાગા સાધુ બનવા માટે કેટલાક નિયમો અને કાયદાનું પાલન કરવું પડે છે. આ નિયમોનું પાલન તે સાધુએ જીવનભર કરવું પડે છે.
પહેલી પરીક્ષા
જ્યારે કોઈ વ્યક્તિ સંસારના ભોગ વિલાસનો ત્યાગ કરી અને નાગા સાધુનું જીવન જીવવાનો નિર્ણય કરે છે ત્યારે તેણે કોઈ અખાડાનો સંપર્ક કરવો પડે છે. અખાડામાંથી તે વ્યક્તિ અને તેના પરિવાર વિશે જાણકારી એકત્ર કરવામાં આવે છે. આ તપાસ બાદ તેને અખાડામાં પ્રવેશ મળે છે.
બ્રહ્મચર્યનું પાલન
અખાડામાં પ્રવેશ બાદ તે વ્યક્તિએ કઠોર બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું પડે છે. તેણે પોતાના બ્રહ્મચર્યના વ્રતની પરીક્ષા પણ આપવી પડે છે. આ પ્રક્રિયા 6 માસથી 12 વર્ષ સુધી ચાલે છે. બ્રહ્મચર્યની પરીક્ષામાંથી તે પાસ થાય ત્યાર બાદ જ તેને ત્યારપછીના સ્તર પર પ્રવેશ મળે છે.
મહાપુરુષ બનવાની પ્રક્રિયા
બ્રહ્મચર્યમાંથી પાસ થયા બાદ તે સાધુ કહેવાય છે અને તેને મહાપુરુષ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયામાં તેણે 5 ગુરુના દિશા નિર્દેશોનું પાલન કરવું પડે છે.
સ્વયંનું પિંડદાન અને શ્રાદ્ધ
નાગા સાધુ બનવાની પ્રક્રિયામાં આ ક્રિયા સૌથી મહત્વની હોય છે. મહાપુરુષ બન્યા બાદ નાગા સાધુએ અવધૂત બનવાની પરીક્ષા આપવાની હોય છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલા તેનું મુંડન કરવામાં આવે છે અને તેણે સ્વયંને મૃત માની પોતાના હાથે જ પોતાનું પિંડદાન કરી શ્રાદ્ધ કરવાનું હોય છે.
નપુંસક બનાવવા
અવધૂતની પરીક્ષા પાસ કર્યા પછી નાગાને દિગંબર સાધુ બનવાની પરીક્ષા આપવી પડે છે. આ પ્રક્રિયામાં સાધુને નગ્ન અવસ્થામાં 24 કલાક સુધી અખાડાના ધ્વજ નીચે ઊભવું પડે છે. ત્યારબાદ અખાડાના એક વરિષ્ઠ સાધુ તેના લિંગની નસ ખેંચી તેને નપુંસક બનાવે છે.
ગુરુમંત્ર
દીક્ષા લીધા પછી ગુરુ પાસેથી નાગા સાધુને ગુરુમંત્ર મળે છે. આ ગુરુ મંત્ર તેના જીવન સુધી તેને સાથ આપે છે.
શરીર પર રુદ્રાક્ષ અને ભસ્મ
નાગા સાધુ શરીર પર વસ્ત્ર પહેરી શકતા નથી. તેઓ માત્ર ભસ્મ ધારણ કરે છે અને રુદ્રાક્ષ પહેરે છે. આ ભસ્મ રોજ સવારે તાજી લગાડવાની હોય છે. સૂર્યોદય પહેલા તેઓ પોતાની નિત્યક્રિયા પૂર્ણ કરી અને ભસ્મ લગાડી અને શ્રૃંગાર કરે છે.
એક સમય જ ભોજન કરવું
નાગા સાધુ બનવા પર તે વ્યક્તિ જીવનભર એક જ સમય ભોજન કરી શકે છે. નાગા સાધુ માત્ર 7 જ ઘરમાંથી ભિક્ષા લઈ શકે છે.
વસ્તીથી બહાર રહેવું અને જમીન પર સુવું
નાગા સાધુ જીવનભર જમીન પર સૂવે છે. તેમણે પોતાનું જીવન સૂનસાન જગ્યાએ પસાર કરવાનું હોય છે. નાગા સંન્યાસી ક્યારેય એક સ્થાન પર વસવાટ કરતા નથી તેઓ પગપાળા સતત ભ્રમણ કરતા રહે છે.
પદ પ્રાપ્ત કરવું
નાગા સાધુ પછી તેઓ મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનાપતિ મહંત, પીર મહંત, દિગંબરશ્રી અને છેલેલ મહામંડલેશ્વર જેવા પદને પ્રાપ્ત કરે છે.

