કોમી એખલાસ : બોર્ડની પરીક્ષામાં બીમારીથી પીડાતી હિન્દુ છાત્રાનો રાઇટર બન્યો મુસ્લિમ વિદ્યાર્થી

ગુજરાત

શહેરની એકનાથ રાનડે વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિવ્યાંગ છાત્રા કરિશ્મા કર્દમના લહિયા (writer) તરીકે પેપર લખી વિદ્યાર્થી મહમદ જાફર સહારો બન્યો છે. હિન્દુ છાત્રાનો લહિયો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપી. જન્મથી જ સેરેબ્રલ પાલ્સી અને મેન્ટલી રીટાયર્ડ કરિશ્માનાં અત્યાર સુધી આઠ ઓપરેશન થઈ ચૂક્યા છે. કુદરતનાં કરિશ્મારૂપ કરિશ્માનો લહિયો બની મુસ્લિમ વિદ્યાર્થી પરીક્ષા આપશે ત્યારે કોમી એખલાસનાં દર્શન થશે. બોર્ડની પરીક્ષામાં પણ હિન્દુ – મુસ્લિમ એકતા ઝળકી ઉઠે તે પ્રકારનો પ્રેરણાદાયક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.

શહેરના જંકશન વિસ્તારમાં સ્થિત એકનાથ રાનડે વિદ્યાલયમાં ધો.10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કરિશ્મા કર્દમ જન્મથી જ મલ્ટીપલ ડિસેબીલીટીથી પીડાય છે. કરિશ્માનાં પિતા વિરેન્દ્રકુમાર વાંકાનેર રેલવે પોલીસમાં હેડ કોન્સટેબલ છે. માતા કમલેશદેવી ગૃહિણી જ્યારે કરિશ્માની બહેન આયુષી પી.ડી.યુ. મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. અને ભાઈ અવિનાશ નડિયાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. પિતા વિરેન્દ્રકુમાર જણાવે છે કે, કરિશ્માનો જન્મ થયો ત્યારે સેરેબ્રલ પાલ્સીને કારણે માનસિક અસ્થિરતા આવી ગઈ હતી. જન્મથી જ મલ્ટીપલ ડિસેબીલીટીને કારણે ખૂબ જ દર્દ સહન કર્યું. અત્યાર સુધીમાં કરિશ્માનાં આઠ ઓપરેશન થઈ ચૂક્યા છે. એકનાથ રાનડે વિદ્યાલયમાં ધો. 9 સુધી ભણ્યા બાદ ધો.10 માં બોર્ડ પરીક્ષા હોવાથી તેના લહિયા તરીકે કોણ પરીક્ષા આપશે તે માટે સ્કૂલ આચાર્ય આશિષ પાઠક સહિતનાં શિક્ષકોએ શોધ કરી અને શાળામાં જ ભણતા ધો.9 નાં વિદ્યાર્થી શેખ મહમદ જાફરે કરિશ્માના બદલે ધો.10 માં પરીક્ષા આપવાની તૈયારી બતાવી.

મહમદ જાફરને છેલ્લા છ માસથી શાળાના સ્પેશ્યલ શિક્ષક લતાબેન પટેલ તાલીમ આપી રહ્યા છે. મૂળ કચ્છનાં મહમદ હનીફ હાલ રાજકોટમાં કરિયાણાનો સામાન્ય વેપાર કરે છે. વિદ્યાર્થી મહમદ જાફરની કારકિર્દીનાં શ્રેષ્ઠ ઘડતર માટે જ પરિવાર રાજકોટમાં સ્થાયી થયો છે. દિવ્યાંગ વિદ્યાર્થિની માટે જ ધો.10 ની તૈયારી કરતાં વિદ્યાર્થી મહમદ જાફરે તનતોડ મહેનત કરી છે.

એકનાથ રાનડે વિદ્યાલયની છાત્રા કરિશ્મા કર્દમને મોરબી રોડ પરની કે.કે. ધોળકિયા સ્કૂલમાં પરીક્ષાનો નંબર આવ્યો છે. દિવ્યાંગ હિન્દુ છાત્રાનો લહિયો મુસ્લિમ વિદ્યાર્થી બનશે ત્યારે આ બંનેને પરીક્ષા આપતા નિહાળી સૌ કોઈને કોમી એખલાસના દર્શન થશે. દિવ્યાંગ કરિશ્માએ ગુરુવારે ગુજરાતીનું પેપર આપ્યું છે. શરીરમાં કોઈ પણ જાતની ખોડખાપણ એ કોઈ ખામી નહીં પરંતુ દિવ્યાંગતા છે. કરિશ્મા જેવા દિવ્યાંગોની મદદે આવવું એ સૌથી મોટું પુણ્ય છે. અહીં તો હિન્દુ – મુસ્લિમ એકતાનાં પ્રતિક સમાન બંને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.