અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક ૮૪નો થયો છે. બીજી તરફ કલસ્ટર ક્વોરેન્ટાઇના આકરા નિર્ણય બાદ આજે પૂર્વ અને પશ્ચિમને જોડતા મહત્વના નહેરૂબ્રિજને અનિશ્ચિત મુદત સુધી આવ-જા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કાલુપુરની શાક અને ફ્રુટ માર્કેટને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલ છે. શહેરના સૌથી જુના, હેરિટેજ અને ગીચ કોટ વિસ્તારમાં કોરોના-વિસ્ફોટ જેવી ગંભીર સ્થિતિ પેદા થઇ છે. આ બંને નિર્ણયો આવતીકાલ તા. ૮મી એપ્રિલથી અમલમાં આવશે.
અમદાવાદના મહત્વના નહેરૂબ્રિજને કરફયુ વખતે પણ સંપૂર્ણ આવ-જા માટે બંધ નહોતો કરાયો. આ પ્રકારનો આકરો નિર્ણય પહેલી વખત લેવાયો હોવાનું જણાય છે. આ અંગે કમિશનર વિજય નહેરાની સહીથી બહાર પડેલા પ્રતિબંધાત્મક આદેશમાં જણાવાયું છે કે, લાલ દરવાજા- આશ્રમરોડને જોડતા નહેરૂ બ્રિજને કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ના ફેલાય તે હેતુથી આવતી કાલ તા. ૮મીથી બીજો હુકમ ના થાય ત્યાં સુધી ખાનગી વાહનો અને લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવે છે. જો કે ૭મીની રાતથી જ નહેરૂબ્રિજ પોલીસે આડશો મુકી બંધ કરી દીધો છે.
ઉપરાંત કાલુપુર શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફ્રુટના લારી ગલ્લા અને દુકાનો પર અસામાન્ય ભીડ જામે છે, આ સંદર્ભમાં કોરોનાને વધુ ફેલાતો અટકાવવાના હેતુથી ત્યાં પણ આવતીકાલ તા. ૮મીથી માર્કેટની તમામ દુકાનો ખોલવા કે વાપરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારના વેપારીઓએ નવો આદેશ ના થાય ત્યાં સુધી આ પ્રતિબંધનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. લારી-ગલ્લા પણ બંધ રાખવા પડશે.
આ આદેશોના હાર્દને સમજીએ તો સરકારની દ્રષ્ટિએ સ્થિતિ વધુ પ્રમાણમાં બગડી રહી છે અને તેને કાબુમાં રાખવા હવે એક પછી એક વધુ ને વધુ આકરા પગલા જરૂરી બન્યા છે.
દરમ્યાનમાં આજે નોંધાયેલા ૨૦ દર્દીઓમાંથી ૫૦ ટકા, એટલે કે ૭ દર્દીઓ દિલ્હી નિજામુદ્દીન ઓલીયાની દરગાહ ખાતેની તબલિકી જમાતના કનેકશનવાળા છે. જ્યારે અગાઉ બોડકદેવના દેવપ્રીત એપાર્ટમેન્ટના શૈલેશભાઈ ધુ્રવનું અવસાન થયું. તેમના પત્ની અને અન્ય દેવરાજ ટાવરના બે મહિલાઓને તેમના સંપર્કના કારણે કોરોના થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમના કર્મચારીઓને પણ કોરોના થયો છે. જ્યારે રાજેન્દ્રસિંહ રાજપુત નામના દર્દીની રાજસ્થાન પ્રવાસની હિસ્ટ્રી છે. આજના તમામ દર્દીઓ મહદઅંશે લોકલ ટ્રાન્સમિશનનો ભોગ બન્યા છે.