લોકોના રક્ષણ માટે નાના બાળકને ઘરે મુકી રોજ 12 કલાક ફરજ બજાવે છે આ મહિલા ASI

ગુજરાત

ગુજરાત પોલીસ કોરોનાની મહામારી વચ્ચે જીવના જોખમે આગઝરતી ગરમીમાં 12થી 15 કલાક ખડેપગે રહીને લોકોની સેવા કરી રહી છે. કોરોના વાયરસથી લોકો સુરક્ષિત રહે તે માટે કેટલાક પોલીસ કર્મચારીઓ તેમના પોતાના પરિવારના સુખ કે દુઃખના પ્રસંગોમાં પણ હાજર રહી શકતા નથી. ત્યારે રાજકોટની એક મહિલા પોલીસની કામગીરીને જોઈને તમે પણ તેને સલામ કરતા ગર્વ અનુભવશો.

રિપોર્ટ અનુસાર, જ્યારે બાળક નાનું હોય છે ત્યારે જો બાળકને નાની એવી ઈજા થાય તો પણ તે રડવા માંડે અને બાળકની રડતું જોઈ તેની માતાને ખૂબ પીડા થાય છે. ત્યારે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા મિતલબેન ઝાલા તેમના દોઢ વર્ષના બાળકને ઘરે પતિની પાસે મુકીને 12 કલાક ખડે પગે રહીને ફરજ બજાવે છે. જ્યારે બાળકને તેની માતા યાદ આવે છે ત્યારે પિતા બાળકને લઈને મિતલબેનની પાસે પહોંચી જાય છે અને બાળક માતાનું મો જોઈને શાંત થઈ જાય છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે મિતલબેન પોતાની ફરજ દરમિયાન તેમના બાળકને સ્પર્શ કરતા નથી અને જ્યારે તેઓ સવારે પોતાની ફરજ પર નીકળે છે ત્યારે તેઓ બાળકને તેડીને તેને વ્હાલ કરીને પછી ઘરની બહાર ફરજ પર આવે છે.

ASI મિતલબેન ઝાલાના પતિ હિતેશે જણાવ્યું હતું કે, બાળક જ્યારે ઊઠે છે ત્યારે તેને તેની માતાની પાસે લઈ જવું પડે છે. આમ તો બાળક સૂઈ રહે એ પ્રકારનું શિડ્યુલ ગોઠવ્યું છે, પરંતુ બાળકને આખા દિવસમાં ત્રણથી ચાર વાર તેની માતાનું મો બતાવવા માટે લઈ જવું પડે છે.

મિતલબેન ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડ્યુટી દરમિયાન તેઓ બાળકને દૂરથી જ રમાડે છે અને તેમને જોઈ રડતું બાળક પણ શાંત પડી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડ્યુટી દરમિયાન ઘણા લોકોને ચેક કર્યા હોય કેટલાક લોકોના લાયસન્સ સહિતના અન્ય ડોક્યુમેન્ટને અડ્યા હોય છે. જેના કારણે સંક્રમણનો ડર રહે છે અને તેથી બાળકને ચેપ ન લાગે તે માટે સાવચેતીના ભાગરૂપે ફરજ દરમિયાન બાળકને અડતા નથી. ઘરે ગયા પછી કપડાંને પાણીમાં પલાળીને સ્નાન કરી હાથ સેનિટાઇઝથી ધોયા બાદ જ બાળકને રમાડું છું.