મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ, બંગલા નંબર 26માં હોમ કવૉરન્ટાઈન સાથે દિવસમાં બે વખત ચેકઅપ

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાને ગાંધીનગર તેડાવ્યા હતા. કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નો પણ જાણ્યા હતા. આ બેઠક બાદ જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ હોવાની વાત બહાર આવતા જ ખળભળાટ મચી ગયો હતો .આ ઘટના બાદ આજે વહેલી સવારે બે નિષ્ણાત ડોકટરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. જેમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું નિદાન થયું હતું. હવે મુખ્યમંત્રીને હોમ કવોરનટાઈન કરાયા છે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હોમ ક્વોરન્ટાઇન થયાં છે.

મુખ્યમંત્રીના તમામ પેરામીર્ટસ નોર્મલ

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હોવાથી આજે નર્મદા હોલ સહિત સ્વણમ સંકુલ-૧ ને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો. આર. કે .પટેલ અને ડો. તુષાર પટેલ સીએમ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં આ બંને ડોક્ટરો એ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું, જેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર્સ નોર્મલ હોવાના રિપોર્ટ આવ્યા હતા. મુખ્યમંત્રીને બંગલા નંબર 26 માં કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આગામી આઠ દિવસ સુધી મુખ્યમંત્રી કોઈની સાથે પણ મુલાકાત કરશે નહીં. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી કે, હાલમાં મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

દિવસમાં બે વખત થઈ રહ્યું છે ચેકઅપ

ડોકટરો દિવસમાં બે વાર મેડીકલ ચેક અપ કરશે. એટલું જ નહીં મુખ્યમંત્રી હવે આઠ દિવસ સુધી સીએમ હાઉસથી જ વીડિયો કોલિંગ, વીડિયો કોન્ફરન્સ અને ટેલિફોનના માધ્યમથી સમગ્ર કામગીરી કરશે. એટલું જ નહીં કોરોનાની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. કોઈપણ મુલાકાતીને હાઉસમાં આઠ દિવસ સુધી પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું .મુખ્યમંત્રી ઈમરાન ખેડાવાલાથી ૧૦થી ૧૫ ફૂટ દૂર બેઠા હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પણ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

ઈમરાન ખેડાવાલોનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર ધંધે લાગ્યુ

આમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો પોઝિટિવ કેસ આવ્યા બાદ ગાંધીનગરમાં ખાસ કરીને મંત્રી નિવાસ સ્થાન અને સ્વણમ સંકુલમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ટેલિફોન કરી ખબર અંતર પૂછયા હતા. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલાને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. આ ઉપરાંત ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર આઇસોલેશનમાં છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંને ધારાસભ્યોને પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી એ ગ્યાસુદ્દીન શેખ સહિત ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.