વિશ્વભરમાં કોરાનાની મહામારીને કારણે ધંધા ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે તેમાં હીરાઉદ્યોગ પણ બાકાત નથી.ડાયંમડના ધંધામાં વેલ્યુ મોટી હોવાને કારણે નુકશાનની માત્રા વધારે છે. આવા સંજોગોમાં ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી)એ તમામ ઉદ્યોગકારાને અપીલ કરી છે કે લોકડાઉન સંપૂર્ણપણે ખુલે પછી એક મહિના સુધી રફની આયાત ન કરવી જોઇએ.
ઓલરેડી બધા ડાયમંડ ઉદ્યોગકારો પાસે પોલીશ્ડ ડાયમંડનો મોટો સ્ટોક છે તેવા સંજોગોમાં રફ આયાત માટે ધીરજ રાખવી જ ઉદ્યોગના હીતમાં છે.
આ અપીલ પાછળ જીજેઇપીસીએ કેટલાક કારણો પણ આપ્યા છે. જીજેઇપીસીએ તેના સભ્યોને એક પત્ર લખીને વિનંતી કરી છે કે જયારે પણ લોકડાઉન ખુલે તે પછી ઉદ્યોગકારોએ એક મહીના સુધી રફની આયાત પર બ્રેક મારવી જોઇએ અને બેંકો ધિરાણનું સ્તર પણ જાળવી રાખે તે જોવું પડશે.જીજેઇપીસી ઉપરાંત મુંબઇના ભારત ડાયમંડ બૂર્સ, મુંબઈ ડાયમંડ વેપારી એસોસિએશન, સુરત ડાયમંડ બૂર્સ અને સુરત ડાયમંડ એસોસિએશને પણ હસ્તાક્ષર કર્યા છે.
જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશભાઇ નાવડીયાએ કહ્યું હતું કે જીજેઇપીસીએ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે રફ ડાયમંડની આયાત એક મહિના સુધી ન કરવી જોઇએ.આ સ્વેચ્છિક અપીલ છે.નાવડીયાએ કહ્યું હતું કે ભારતના ડાયમંડ ઉદ્યોગકારો પાસે પોલીશ્ડ ડાયમંડનો મોટો સ્ટોક છે કારણ કે લગભગ ફેબ્રુઆરીથી ડાયમંડ ઉદ્યોગ કોરાના વાયરસને કારણે ઠપ્પ થઇ ગયો છે.જો લોકડાઉન પછી ડાયમંડ માઇનીંગ કંપનીઓ રફના ભાવે તોડી નાંખે તો ઉદ્યોગને મોટું નુકશાન થઇ શકે તેમ છે.