હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહીં સે શુરૂ હોતી હૈ. કાલીયા ફિલ્મમાં આ સંવાદ અમિતાભ બચ્ચન બોલે છે ત્યારે થિયેટરમાં બેઠેલાં દર્શકો તાળીઓના ગડગડાટ કરે છે.જોકે તાળીઓનો ખરો યશ તો તે સંવાદના લેખકને જાય છે. નામ છે કાદર ખાન.ફક્ત કાલીયા જ નહીં,આવી ઘણી ઘણી સુપરહીટ ફિલ્મોના લોકપ્રિય સંવાદો અનેકથા-પટકથા લખવાનો યશ કાદરખાનને જાય છે.
કાદરખાનની કલમ સાથોસાથ તેમની અભિનય પ્રતિભાનુંઆકાશ પણ વિશાળ હતું.કાદરખાન એટલે બોલીવુડના બહુખુખી પ્રતિભા ધરાવતા મોટાગજાના કલાકાર.
અમિતાભ બચ્ચન મહાનાયક કહેવાય છે તેમ કાદરખાનડાયલોગ કિંગ હતા. ૭૦-૮૦ ના દાયકામાં બોલીવુડમાં પ્રકાશ મેહરા,મનમોહન દેસાઇ,ડેવીડ ધવન,યશ ચોપરા વગેરે જેવા મોટાગજાના નિર્માતા-દિગ્દર્શકોની ફિલ્મો દેશ આખામાં ધૂમ મચાવતી.
એ તબક્કે પ્રકાશ મેહરા અને મનમોહન દેસાઇ વચ્ચે જબરી સ્પર્ધા જામી હતી કારણ કે બંનેની ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની હાજરી હતી. પ્રકાશ મેહરાની સુપરહીટ ફિલ્મો મુકદ્દર કા સિકંદર,શરાબી અને ખૂન પસીનાના અને મનમોહન દેસાઇની સુપરહીટ ફિલ્મો પરવરીશઅને અમર અકબર એન્થોનીના સંવાદો કાદરખાને લખ્યા હતા.
શરાબી ફિલ્મનો અમિતાભ બચ્ચનનો ડાયલોગ -મૂછેં હો તો નથ્થુલાલ જૈસી, વરના ના હો- બેહદ લોકપ્રિય બન્યો હતો અને આજે પણ ફિલ્મી સમારોહમાં બોલાય છે.
મુકદ્દર કા સિકંદર ફિલ્મમાં બાળવયના સિકંદરને સ્મશાનમાં રહેતા એક ફકીરજિંદગીમાં ક્યારેય નિરાશ નહીં થવાની અને સદાય હસતાં રહીને હિંમતભેર જીવવાની જડીબુટ્ટી આપે છે. નાના સિકંદર માટે તે શીખામણ ખરેખર પ્રેરણારૂપ બની રહે છે.
બસ,ત્યારબાદ ફિલ્મમાં જે જે પ્રસંગો બને છે તે દર્શકોને જકડી રાખે છે. અમર અકબર એન્થોની ફિલ્મમાં તો અભિતાભ બચ્ચન,વિનોદ ખન્ના અને ઋષિ કપૂરની ત્રિપુટી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે.તો સદાબહાર અભિનેતા સ્વ.પ્રાણનો અભિનય પણ એટલા જ જીવંત છે.જોકે ફિલ્મમાં નટખટ અમિતાભના રમૂજી સંવાદોથી દર્શકોેને ભારે મજા પડે છે.
જોકે આ બધા સંવાદોમાં ખરું જોમ તો કાદરખાનની કલમે પૂરું પાડયું હતું. દર્શકોની તાળીઓના ખરા હકદાર કાદરખાન હતા. અમિતાભ બચ્ચનને મહાનાયક બનાવવામાં અને આકાશી લોકપ્રિયતાઆપવામાં કાદરખાનનું યોગદાન બહુ પાયારૂપ રહ્યું છે.સાથોસાથ ગોવિંદા અને ડેવીડ ધવનની જોડીની સફળતામાં અને નવી પેઢીના કથા-પટકથા લેખકોને પણ પ્રેરણારૂપ બનવામાં પણ કાદરખાને મહત્વનું યોગદાન આપ્યું છે.
૨૦૧૯ના નવા વરસના પહેલા જ દિવસે ખુદાને પ્યારા થઇ ગયેલા કાદરખાનની બહુમુખી પ્રતિભાનો પરિચય જાણવા જેવો છે.
૨૨,ઓક્ટોબર-૧૯૩૭ના રોેજ અફઘાનિસ્તાનના કાબૂલ શહેરમાં જન્મેલા કાદરખાન સમય જતાં તેમના પરિવાર સાથે મુંબઇ આવ્યા હતા.કાદરખાને મુંબઇની ઇસ્માઇલ યુસુફ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.અભ્યાસ બાદ કાદરખાને મુંબઇની એમ.એચ. સાબુ સિદ્દિકી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ પણ બજાવી હતી.
જોકે બાળપણથી વાંચન-લેખનનો જબરો શોખ હોવાથી અને તેમના બહોળા મિત્ર વર્તુળથી ૧૯૭૨માં તેમને જવાની દીવાની ફિલ્મના સંવાદો લખવાની પહેલી તક મળી.સ્વભાવે હસમુખા -સરળ કાદરખાનને ત્યારબાદ મોટાગજાના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મેહરાની ફિલ્મ ખૂનપસીનામાં પણ સંવાદો લખવાની તક મળી.બસ,આ તક તેમના માટે સોનેરી સાબિત થઇ અને બોલીવુડમાં કાદરખાનનું નામ અને કામ બંને ચમકવા લાગ્યાં.
બોલીવુડના જાણીતા લેખક અને સ્ક્રિન રાઇટર એસોસિયેશનના પ્રમુખ રોબીન ભટ્ટ કહે છે, કાદરખાન તો પ્રતિભાનો વિશાળ ભંડારહતા.કોમર્શિયલ ફિલ્મોની સફળતામાં કાદરખાનનું યોગદાન બહુ મોટું હતું.
તેમણે બોલીવુડ ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં એન.ટી.રામરાવ સાથે પણ કામ કર્યું હતું.વળી, કાદરખાન ઉત્તમ સંવાદ લેખક સાથે મજેદાર અદાકાર પણ હતા. જોકે કાદરખાનની સફળતાના પાયામાં રંગમંચની પ્રેરણા હતી.તેમણે હિન્દી નાટકોમાં કામ કર્યું હોવાથી અભિનય પ્રતિભા પણ હતી.
રોબીન ભટ્ટ જૂની સ્મૃતિ યાદ કરતાં કહે છે, કાદરખાનની કામ કરવાની પદ્ધતિ બહુ વિશિષ્ટ હતી.એટલે કે કાદરખાન અમિતાભ બચ્ચન સહિત ગોવિંદા,જિતેન્દ્ર,મિથુન ચક્રવર્તી વગેરે કલાકારોના સંવાદો અને પ્રસંગોનું વર્ણન કેસેટમાં કરી લેતા.ત્યારબાદ પેલા કલાકારો તે કેસેટમાંના સંવાદો અને પ્રસંગો સાંભળીને તે પ્રમાણે ફિલ્મમાં રજૂ કરતા.
કાદરખાન એક મજેદાર કોમેડિયન પણ હતા.કાદરખાને સુપરહીટ ફિલ્મ સર્જક ડેવીડ ધવન અને ગોવિંદા સાથે કુલી નં.૧ અને હીરો નં.૧ સહિત રાજાબાબુ,આંખે,શોલા ઔર શબનમ અને બોલ રાધા બોલ વગેરે ફિલ્મોના ડાયલોગ્ઝ પણ લખ્યા હતા.એક તબક્કે ગોવિંદા-કાદરખાનની કોમેડી જોડીએ જબરી ધૂમ મચાવી હતી.
જાણીતા દિગ્દર્શક અને લેખક અનીસ બાઝમી પણ જૂનાં સ્મરણો યાદ કરતાં કહે છે, મને કાદરભાઇ સાથે રાજાબાબુ,આંખે વગેરે ફિલ્મોમાં કામ કરવાની તક મળીહતી.કાદરખાનનું સૌથી મોટું જમાપાસું હતું તેમનું વિશાળ વાંચન, ઝડપી અને અસરકારક લેખનશક્તિ.મને યાદ છે કે જે ફિલ્મમાં કાદરખાન અભિનય કરતા હોય તેમાં સંવાદો પણ તેમના રહેતા.કાદરખાન એક સીનથી બીજા સીનના શૂટિંગ વચ્ચેના સમયમાં સેટ પર જ ૨૦-૨૫ મિનિટમાં સંવાદો લખી આપતા.
તેમના સ્થાને બીજા કોઇ લેખકને સંવાદો લખતાં કદાચ ત્રણ-ચાર કલાક થઇ જાય.મારા મતે તો કાદરખાન વિદ્વાન લેખક હતા.કાદરખાન બહુ શિસ્તપ્રિય હતા.ઘરે હોય ત્યારે સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી સંવાદો અને કથા-પટકથા લખતા.ભોજન બાદ આરામ કરતા અને ચારથી રાતના નવ સુધી કામ કરતા.મેં તેમને ક્યારેય થાકેલા જોયા નથી.વળી,આજે મને મુડ નથી કે લખવામાં મજા નથી આવતી એવું પણ ક્યારેય ન બોલે. ઉર્જાના ભંડારસમા કાદરખાને લગભગ ૨૫૦ ફિલ્મોના સંવાદો લખ્યા અને આશરેે ૩૦૦ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ પણ ભજવી હતી.
રવીના ટંડન લાગણીસભર સ્મરણો યાદ કરતાં કહે છે, કાદરખાન મારા માટે પિતાતુલ્ય હતા.અમે જીના ઇસીકા નામ હૈ,દુલ્હેરાજા,ઘરવાલી બાહરવાલી,બડે મિયાં છોટે મિયાં અને વાહ તેરા ક્યા કહેના વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.તેઓ ઉર્જાનો સાગર હતા.બહુ વિચક્ષણ અને તેજસ્વી હતા.
મને યાદ છે કે વાહ તેરા ક્યા કહેના ફિલ્મમાં મારે હૈદરાબાદી શૈલીમાં સંવાદો બોલવાના હતા.જોકે તે તબક્કે કાદરખાન મારી મદદે આવ્યા અને મને હૈદરાબાદી શૈલી બોલતાં શીખવ્યું હતું.અમુક ફિલ્મોમાં તો કાદરખાને મારા પિતાની યાદગાર ભૂમિકા ભજવી હતી.હું જાણે તેમની સાચી દીકરી હોઉં તેવો ભાવ-લાગણી તેમના અભિનયમાં છલકતાં.
મજેદાર ફિલ્મ ન્યુટનના પટકથા લેખક મયંક તિવારી કહે છે, હું લગભગ ૧૦ વરસ પહેલાં કાદર સાહેબનો મળ્યો હતો.કાદરખાને મને સંવાદ લેખન અને પટકથા લેખન વિશે બહુ મહત્વનું અને પાયારૂપ માર્ગદર્શન આપ્યું હતું.તેમનું જ્ઞાાનઅને માહિતી કોઇ વિદ્વાન જેવાં હતાં.તેમના ઘરમાં જ્ઞાાનગ્રંથોનો ખજાનો હતો.કાદરખાને મને કહ્યું હતું, બેટા,સતત વાંચન કરવું.આપણી આજુબાજુ ક્યાં શું શું થાય છે તેની ખબર રાખવી.

